MORBIMORBI CITY / TALUKOTANKARA

TANKARA:ટંકારામાં ‘શ્રી રામ સેલ્સ’ના તાળા તોડી તમાકુની ચોરી કરનાર રાજકોટની ગેંગના બે સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા :એક ફરાર

 

TANKARA:ટંકારામાં ‘શ્રી રામ સેલ્સ’ના તાળા તોડી તમાકુની ચોરી કરનાર રાજકોટની ગેંગના બે સાગરીતો મુદ્દામાલ સાથે ઝડપાયા :એક ફરાર

ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલી એક એજન્સીના તાળા તોડી લાખો રૂપિયાની તમાકુની ચોરી કરનાર બે શખ્સોને ટંકારા પોલીસે સ્વિફ્ટ કાર અને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે. સીસીટીવી કેમેરા અને ટેકનિકલ સોર્સની મદદથી પોલીસે ગણતરીના દિવસોમાં જ આ અનડિટેક્ટ ગુનાનો પર્દાફાશ કરી કુલ ₹૩,૬૩,૯૨૦/- નો મુદ્દામાલ રિકવર કર્યો છે, જ્યારે આ ચોરીમાં સામેલ અન્ય એક શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ગત તારીખ ૧૭/૦૫/૨૦૨૬ના રોજ વહેલી સવારે ટંકારા ટાઉન વિસ્તારમાં આવેલી ”શ્રી રામ સેલ્સ એજન્સી” નામની દુકાનને નિશાન બનાવી અજાણ્યા ચોરોએ દુકાનના તાળા તોડ્યા હતા. તસ્કરો દુકાનમાંથી તમાકુના ડબલા ભરેલા કાર્ટુનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ અંગે ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.

આ અનડિટેક્ટ ગુનાને શોધી કાઢવા માટે ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સીસનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળની આજુબાજુના સીસીટીવી ફૂટેજ તેમજ મોરબી શહેરના ‘નેત્રમ’ પ્રોજેક્ટના કેમેરા ચેક કરતા ચોરીમાં ઉપયોગમાં લેવાયેલી જીજે-૦૬-કેપી-૩૨૨૯ (GJ-06-KP-3229) નંબરની સ્વિફ્ટ કાર શંકાસ્પદ જણાતા પોલીસે તે દિશામાં તપાસ લંબાવી હતી.

દરમિયાન પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ચોરીમાં વપરાયેલી કાર છતર નજીકથી પસાર થવાની છે. જેથી પોલીસે છતર પોલીસ ચેક પોસ્ટ ખાતે વોચ ગોઠવી બાતમીવાળી કારને આંતરી હતી. કારની તલાશી લેતા તેમાંથી ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. પોલીસે કારમાં સવાર બે આરોપીઓની ધરપકડ કરી હતી:

૧. રવિભાઇ ભીખાભાઇ ચાઉ (ઉ.વ. ૨૩) – રહે. રાજકોટ, હુડકો ચોકડી, રણુજા મંદિર પાસે

૨. રૂપેશભાઇ ચંદ્રકાંતભાઇ સંચાણીયા (ઉ.વ. ૨૯) – રહે. રાજકોટ, કોઠારીયા મેઇન રોડ, ગણેશનગર શેરી

પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી તમાકુનો જથ્થો અને કાર સહિત કુલ ₹૩,૬૩,૯૨૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં પકડાયેલા આરોપીઓએ કબૂલાત કરી હતી કે આ ચોરીમાં તેમની સાથે રાજકોટના કોઠારીયા મેઇન રોડ પર આવેલા સોમનાથ પાર્કમાં રહેતો સુરેશભાઇ અશોકભાઇ ગવડીયા નામનો શખ્સ પણ સામેલ હતો. આ ત્રીજા આરોપીનું નામ ખૂલતાં ટંકારા પોલીસે તેને ઝડપી પાડવા માટે જુદી-જુદી ટીમો બનાવી આગળની તજવીજ હાથ ધરી છે.

આ સફળ કામગીરી બદલ ટંકારા પોલીસે ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ (BNS) ની કલમ-૩૦૫, ૩૩૧(૪), ૫૪ મુજબ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગણતરીના દિવસોમાં જ વણઉકેલાયેલા ગુનાનો ભેદ ઉકેલવા બદલ સ્થાનિક વેપારીઓએ પણ પોલીસની કામગીરીને બિરદાવી છે

Back to top button
error: Content is protected !!