Rajkot; રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા મહાઅભિયાન

તા.૨૧/૫/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
સંકલન : રાધિકા વ્યાસ
પ્રાકૃતિક કૃષિથી ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં થાય છે બમ્પર વધારો
રાજકોટ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ગૌમૂત્ર, છાણ અને વનસ્પતિના અર્કનો ઉપયોગ કરીને મેળવી રહ્યા છે ઉત્કૃષ્ટ પરિણામો
Rajkot: રાજ્યભરમાં પ્રાકૃતિક કૃષિ પદ્ધતિનો વ્યાપ વધારવા ગુજરાત સરકાર મહાઅભિયાન ચલાવી રહી છે. ત્યારે વધુમાં વધુ ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ અંગે માર્ગદર્શન મળી રહે અને પ્રાકૃતિક ખેતી અપનાવે તે દિશામાં કાર્ય થઈ રહ્યું છે.
પ્રકૃતિનાં મૂળભુત સિધ્ધાંતો આધારિત દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી ઓછા ખર્ચે થતી ખેતી પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ ગણાય છે. પાકની વૃદ્ધિ માટે જરૂરી ઈનપુટ અને ખેત સામગ્રી બહારથી ન લેતાં પ્રાકૃતિક સામગ્રી ઘરે રહેલા સામાનનો ઉપયોગ કરીને જાતે જ બનાવવામાં આવે છે.
પ્રાકૃતિક કૃષિને કારણે ભૂમિની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. માત્ર એક દેશી ગાયના ગોબર અને ગૌમૂત્રથી ૩૦ એકર જમીનમાં ખેતી થઈ શકે છે. જેમાં નહિવત ખર્ચ થાય છે અને બજારમાં આ ઉત્પાદનોનાં વધારે ભાવ મળે છે. આ પદ્ધતિથી ખેતી કરવામાં આવે તો પાણીની પણ બચત થાય છે. પર્યાવરણ અને માનવીય સ્વાસ્થ્યનું રક્ષણ, પોષણ અને સંવર્ધન થાય છે.
રાજકોટ જિલ્લાના પ્રગતિશીલ ખેડૂતો ગૌમૂત્ર, છાણ અને વનસ્પતિના અર્કનો ઉપયોગ કરીને પ્રાકૃતિક ઢબે કૃષિ થકી ઉત્કૃષ્ટ પરિણામો મેળવી રહ્યા છે. પ્રાકૃતિક કૃષિ દ્વારા ઉત્પાદિત થતા દરેક ફળો, શાકભાજી તથા અનાજ સ્વાસ્થ્ય માટે ઉત્તમ છે, કારણ કે તેમાં કોઈ પણ પ્રકારના રાસાયણિક ખાતર કે જંતુનાશકોનો ઉપયોગ થતો નથી. રાજકોટ જિલ્લાના અનેક વિસ્તારોમાં હવે પ્રાકૃતિક કૃષિની પેદાશો માટેનું બજાર, કિસાન હાટ પણ સારા પ્રમાણમાં વિકસી રહ્યાં છે, જેથી આ પદ્ધતિથી ખેતી કરતાં ખેડૂતોને સારા બજારભાવ મળે છે અને સામે આ પેદાશોનો ઉપયોગ કરતાં લોકો સ્વાસ્થ્યવર્ધક, પૌષ્ટિક અને રસાયણોથી મુક્ત ખોરાક લઇને તંદુરસ્ત રહે છે.




