MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવી યુવતીનું અપહરણ, રાજકોટ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

 

MORBI:મોરબી સ્નેપચેટ પર પ્રેમજાળમાં ફસાવી યુવતીનું અપહરણ, રાજકોટ લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

સોશિયલ મીડિયાના દુરુપયોગ અને યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી બ્લેકમેલ કરવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે મોરબીમાં એક અત્યંત ગંભીર અને ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મોરબીમાં રહેતી એક યુવતીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સ્નેપચેટ (Snapchat) પર પ્રેમજાળમાં ફસાવી, લગ્નની લાલચ આપી અપહરણ કરી જવાઈ હતી. ત્યારબાદ રાજકોટ ખાતે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધી, ન્યૂડ ફોટા પાડી વાયરલ કરવાની ધમકી આપવા બદલ તેમજ જ્ઞાતિપ્રત્યે અપમાનિત કરવા બદલ મોરબી તાલુકા પોલીસ મથકે એક શખ્સ વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતીનો સંપર્ક આરોપી સોહીલ ફિરોઝખાન પઠાણ નામના શખ્સે સ્નેપચેટ એપ્લિકેશન દ્વારા કર્યો હતો. આરોપી અવારનવાર મોરબીમાં યુવતીને મળવા આવતો હતો અને મોટી-મોટી વાતો કરીને તેને લગ્ન કરવાની લાલચ આપી હતી. દરમિયાન, આરોપી સોહીલ યુવતીને મોરબીની આયુષ હોસ્પિટલ પાસેથી ડરાવી-ધમકાવીને અપહરણ કરી રાજકોટ ખાતે પોતાના રહેણાંક મકાને લઈ ગયો હતો.

રાજકોટ સ્થિત મકાનમાં આરોપીએ યુવતીની મરજી વિરુદ્ધ બળજબરીપૂર્વક શારીરિક સંબંધ બાંધ્યા હતા. એટલું જ નહીં, આરોપીએ ભોગ બનનારના ન્યૂડ (અશ્લીલ) ફોટા પણ પાડી લીધા હતા. આ બાબતે કોઈને જાણ ન કરવા માટે આરોપીએ ધમકી આપી હતી કે, “જો તું મારા ઘરેથી ક્યાંય જઈશ તો હું તારા ફોટા વાયરલ કરી દઈશ અને જો આ વાતની કોઈને ખબર પડી તો તારું ગળું દબાવીને તને જીવતી નહીં છોડું.” આ ઉપરાંત આરોપીએ યુવતીને તેની જ્ઞાતિ પ્રત્યે પણ હડધૂત કરી અપમાનિત કરી હતી.

સમગ્ર મામલે ભોગ બનનાર યુવતીએ હિંમત ભેગી કરીને મોરબી તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી સોહીલ ફિરોઝખાન પઠાણ વિરુદ્ધ નીચે મુજબની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે:ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમો: ૧૯, ૬૪(૨)(એમ), ૧૩૭(૨), ૩૫૧(૧), ૩૫૧(૩) એટ્રોસિટી એક્ટની કલમો: ૩(૧)(આર), ૩(૧)(એસ), ૩(૨)(૫-એ), ૩(૨)(૫) મોરબી પોલીસે ગુનો નોંધીને આરોપીને ઝડપી પાડવા અને આગળની કાયદેસરની કાર્યવાહી કરવા ચક્રો ગતિમાન કર્યા છે

Back to top button
error: Content is protected !!