BHARUCHBHARUCH CITY / TALUKO

ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે NHRC ના મેમ્બર પ્રિયંક કાનુનગોના અધ્યક્ષતાને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની સમીક્ષા બેઠક યોજાઈ

સમીર પટેલ, ભરૂચ

 

રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ (NHRC) ના સભ્ય પ્રિયાંક કાનુનગોના અધ્યક્ષસ્થાને ભરૂચ જિલ્લા આયોજન ભવન ખાતે એક સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.

બેઠકમાં જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવહાણે, જિલ્લા વિકાસ અધિકારી (DDO) યોગેશ કાપસે સહિત વિવિધ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તમામ વિભાગો દ્વારા તેમની યોજનાઓ અને તેની પ્રગતિ અંગે પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું.

માનવ અધિકારોના સંરક્ષણ અને સરકારી યોજનાઓના અમલીકરણમાં ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની કામગીરી સરાહનીય રહી છે. ખાસ કરીને આરોગ્ય અને સામાજિક સુરક્ષા ક્ષેત્રે જિલ્લાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે.

NHRC સભ્ય પ્રિયાંક કાનુનગોએ જણાવ્યું કે, માનવ અધિકારોના સંરક્ષણના દૃષ્ટિકોણથી સરકારી યોજનાઓનું મૂલ્યાંકન કરવા ભરૂચ જિલ્લાની મુલાકાત લીધી હતી. અધિકારીઓ સાથેની બેઠકમાં વિવિધ યોજનાઓની પ્રગતિ જાણીને સંતોષ થયો છે. ભરૂચ જિલ્લામાં માનવ અધિકારોના જતન માટે સંતોષજનક કામગીરી જોવા મળી છે.

તેમણે ઉમેર્યું કે, જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ‘નિરામય યોજના’, ‘પ્રધાનમંત્રી વય વંદના યોજના’ અને ‘આયુષ્માન ભારત’ જેવી યોજનાઓમાં સરાહનીય કામગીરી કરાઈ છે. ‘વય વંદના’ અને ‘આયુષ્માન’ યોજના હેઠળ નિર્ધારિત ૧૦૦ ટકાના લક્ષ્યાંક સામે ૧૦૭ ટકા જેટલી સિદ્ધિ હાંસલ કરાઈ છે, જેના માટે તેમણે સમગ્ર જિલ્લા પ્રશાસનને અભિનંદન પાઠવ્યા.

બેઠકના અંતે, રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ તરફથી આગામી સમયમાં પણ જનકલ્યાણના કાર્યો આ જ પ્રકારે વેગવંતા રાખવા માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું.

Back to top button
error: Content is protected !!