“દવા દુકાન કે મીની હોસ્પિટલ?” — વાવ-થરાદના દીનદયાળ મેડિકલ સ્ટોર સામે ઉઠ્યા ગંભીર સવાલો

વાત્સલ્યમ સમાચાર પ્રવિણભાઇ ચૌહાણ વાવ થરાદ
વાવ-થરાદ વિસ્તારમાં આવેલ એક દીનદયાળ મેડિકલ સ્ટોર અંગે લોકોમાં ભારે ચર્ચા અને રોષ જોવા મળી રહ્યો છે. દવા વેચાણ માટે બનાવાયેલા મેડિકલ સ્ટોર પર દર્દીઓને સીધી સારવાર, ઇંજેક્શન અને દવાઓની સલાહ આપવામાં આવતી હોવાના આક્ષેપો વચ્ચે હવે કાયદાકીય મુદ્દાઓ પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
ભારતીય કાયદા મુજબ દર્દીની સારવાર, રોગનું નિદા

ન (Diagnosis) અને દવા લખવાનો અધિકાર માત્ર નોંધાયેલ મેડિકલ પ્રેક્ટિશનર — જેમ કે MBBS, BAMS, BHMS અથવા સરકાર દ્વારા માન્ય ડોક્ટર — ને જ હોય છે. જ્યારે ફાર્માસિસ્ટ અથવા મેડિકલ સ્ટોર ચલાવનારનું કામ માત્ર ડોક્ટરની પ્રિસ્ક્રિપ્શન મુજબ દવા આપવાનું અને દવાના ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરતું જ માનવામાં આવે છે.
*કાયદો સ્પષ્ટ કહે છે કે:*
– મેડિકલ સ્ટોરવાળો પોતાની રીતે દર્દીની સારવાર કરી શકતો નથી.
રોગ ઓળખીને દવા લખી શકતો નથી.
– ઇંજેક્શન, IV અથવા સારવાર જેવી મેડિકલ પ્રેક્ટિસ કરવાનો અધિકાર નથી.
– ક્લિનિક ચલાવવું અથવા “ડોક્ટર” તરીકે પ્રેક્ટિસ કરવીગેરકાયદેસર ગણાઈ શકે.
તે છતાં જો કોઈ મેડિકલ સ્ટોર ખુલ્લેઆમ સારવાર ચલાવતું હોય તો લોકોમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું નિયમો માત્ર સામાન્ય લોકો માટે જ છે? શું આરોગ્ય વિભાગ અને ડ્રગ વિભાગ આવી પ્રવૃત્તિઓથી અજાણ છે કે પછી આંખ આડા કાન કરી રહ્યા છે?
સ્થાનિકોમાં કટાક્ષ થઈ રહ્યો છે કે “જો મેડિકલ સ્ટોર જ સારવાર કરવા લાગશે તો પછી ડોક્ટરની ડિગ્રી અને કાયદાની જરૂર શું રહી?” લોકોનું કહેવું છે કે દર્દીઓના આરોગ્ય સાથે કોઈ પણ પ્રકારનો બેદરકાર પ્રયોગ ગંભીર પરિણામ લાવી શકે છે.
હવે લોકો માંગ કરી રહ્યા છે કે તંત્ર આ મામલે તપાસ કરી સત્ય બહાર લાવે અને જો નિયમ વિરુદ્ધ સારવાર ચાલતી હોય તો કડક કાર્યવાહી કરવામાં આવે. કારણ કે વાત માત્ર એક મેડિકલ સ્ટોરની નથી, પરંતુ સામાન્ય લોકોના આરોગ્ય અને કાયદાની વિશ્વસનીયતાની છે.





