ગુજરાતની જેલોમાં શિક્ષણથી બદલાઈ રહી છે જિંદગીઓ: ૪૪ બંદીવાનો બોર્ડ પરીક્ષામાં સફળ, જેલ બની જ્ઞાન અને પુનઃવસનની પાઠશાળા

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
રાજ્યની વિવિધ જેલોમાં હવે માત્ર સજા નહીં પરંતુ સુધારણા અને નવી શરૂઆતનું વાતાવરણ સર્જાઈ રહ્યું છે. જેલના ઊંચા દરવાજા અને લોખંડના સળિયાઓ પાછળ જ્યાં ક્યારેક નિરાશા, પસ્તાવો અને એકલતાનો માહોલ જોવા મળતો હતો, ત્યાં હવે શિક્ષણ, આત્મવિશ્વાસ અને નવી આશાનું પ્રકાશ ફેલાઈ રહ્યું છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન અને રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવના નેતૃત્વ હેઠળ ગુજરાતની જેલોમાં પુનઃવસન આધારિત શિક્ષણ અભિયાનના સકારાત્મક પરિણામો સામે આવ્યા છે.
આ વર્ષે રાજ્યની અલગ અલગ જેલોમાં સજા ભોગવી રહેલા કુલ ૪૪ બંદીવાનોએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની બોર્ડ પરીક્ષામાં સફળતા મેળવી છે. જેમાં ધોરણ-૧૦માં ૨૨ અને ધોરણ-૧૨માં ૨૨ બંદીવાનોનો સમાવેશ થાય છે. જેલ પ્રશાસનની મહેનત, માર્ગદર્શન અને માનવીય અભિગમના કારણે અનેક બંદીવાનોના જીવનમાં શિક્ષણ દ્વારા નવી દિશા અને આત્મવિશ્વાસ જન્મ્યો છે.
જેલ વિભાગ દ્વારા બંદીવાનોને પરીક્ષાના ફોર્મ ભરાવવાથી લઈને પુસ્તકો, અભ્યાસ સામગ્રી, માર્ગદર્શન વર્ગો અને વિશેષ શિક્ષણ સત્રો સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. બંદીવાનોને અનુકૂળ વાતાવરણ મળી રહે તે માટે જેલ પરિસરમાં જ બોર્ડ પરીક્ષાના કેન્દ્રોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.
એક બંદીવાને પોતાની લાગણીઓ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે સજા મળ્યા બાદ તેને લાગતું હતું કે હવે જીવનમાં કશું બાકી રહ્યું નથી. પરંતુ જેલમાં શરૂ કરાયેલા રેડિયો પ્રિઝન કાર્યક્રમ, વેલ્ફેર ઓફિસ અને જેલ અધિકારીઓ દ્વારા મળેલી પ્રેરણાએ તેને ફરી અભ્યાસ તરફ વાળ્યો. આજે પરીક્ષામાં સફળતા મળતાં તેને વર્ષો બાદ જીવનમાં ફરી આશા જાગી હોવાનો અનુભવ થયો છે.
અન્ય એક બંદીવાને જણાવ્યું હતું કે પરિવારની આર્થિક પરિસ્થિતિને કારણે તેનો અભ્યાસ અધવચ્ચે જ છૂટી ગયો હતો. સજા બાદ તે ડિપ્રેશનમાં આવી ગયો હતો, પરંતુ જેલ અધિકારીઓના સતત કાઉન્સેલિંગ, પ્રોત્સાહન અને માર્ગદર્શનથી તેણે ફરી અભ્યાસ શરૂ કર્યો અને હવે સફળતા મેળવી છે.
ધોરણ-૧૨માં પાસ થયેલા એક બંદીવાને જણાવ્યું હતું કે જેલમાં હોવા છતાં તેના સપનાઓ હજુ જીવંત છે. તે નિયમિત રીતે સંગીતના વર્ગોમાં ભાગ લે છે અને ભવિષ્યમાં ગાયક તરીકે પોતાની ઓળખ બનાવવાની ઇચ્છા ધરાવે છે. જેલ પ્રશાસન દ્વારા આવા પ્રતિભાશાળી બંદીવાનોને તેમની રૂચિ અનુસાર વિવિધ સર્જનાત્મક પ્રવૃત્તિઓમાં પણ જોડવામાં આવી રહ્યા છે.
જેલોમાં હવે માત્ર શૈક્ષણિક નહીં પરંતુ માનસિક અને સામાજિક પુનઃસ્થાપન પર પણ વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. જેલ પ્રશાસન દ્વારા આધુનિક લાઇબ્રેરી, ઓડિયો બુક, પ્રેરણાત્મક સાહિત્ય અને વ્યક્તિત્વ વિકાસ સંબંધિત પુસ્તકો ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. પુસ્તકો અને અભ્યાસ બંદીવાનોમાં સકારાત્મક વિચારસરણી, આત્મવિશ્વાસ અને જીવન પ્રત્યે નવી દૃષ્ટિ વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યા છે.
જેલ વિભાગ દ્વારા નિયમિત રીતે વિશેષ વ્યાખ્યાનમાળા અને માર્ગદર્શન કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવે છે. જેમાં વિવિધ શાળા-કોલેજોના શિક્ષકો, સમાજસેવકો અને વિષય નિષ્ણાતો જેલની અંદર જઈને બંદીવાનોને શિક્ષણ, કારકિર્દી, વ્યક્તિત્વ વિકાસ અને માનસિક સ્વાસ્થ્ય અંગે માર્ગદર્શન આપે છે.
રાજ્યના પોલીસ વડા ડૉ. કે. એલ. એન. રાવે બોર્ડ પરીક્ષામાં સફળ થયેલા તમામ ૪૪ બંદીવાનોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે આ સફળતા માત્ર શૈક્ષણિક સિદ્ધિ નથી પરંતુ જીવનમાં પરિવર્તન લાવવાની શક્તિ ધરાવતા શિક્ષણનું જીવંત ઉદાહરણ છે. તેમણે જણાવ્યું હતું કે જેલ વિભાગ દ્વારા આ સફળ બંદીવાનોનું પ્રમાણપત્ર આપીને સન્માન કરવામાં આવશે અને જેલમાં રહેલા કેદીઓના પ્રતિભાશાળી બાળકોને પણ પ્રોત્સાહન આપવામાં આવશે.
જેલ વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર શિક્ષણ, કાઉન્સેલિંગ અને રચનાત્મક પ્રવૃત્તિઓના કારણે અનેક બંદીવાનો ડિપ્રેશન અને નકારાત્મકતામાંથી બહાર આવી રહ્યા છે. ઘણા બંદીવાનો હવે ભવિષ્યમાં રોજગાર, સ્વરોજગાર અને સમાજમાં સકારાત્મક જીવન જીવવા માટે તૈયાર થઈ રહ્યા છે.
ગુજરાતની જેલોમાં શરૂ કરાયેલું આ શિક્ષણ અને પુનઃવસન અભિયાન હવે અન્ય રાજ્યો માટે પણ પ્રેરણારૂપ બની રહ્યું છે. સમાજના મુખ્ય પ્રવાહથી દૂર થઈ ગયેલા લોકો માટે શિક્ષણ કેવી રીતે જીવન બદલવાનું માધ્યમ બની શકે તેનું આ એક જીવંત અને હૃદયસ્પર્શી ઉદાહરણ માનવામાં આવી રહ્યું છે.







