નવસારીમાં રખડતા પશુઓના કાયમી નિકાલ માટે મનપાનું મોટું આયોજન :ગૌ રક્ષકો સાથે બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા.૨૪ :નવસારી શહેરને રખડતા પશુઓના ત્રાસમાંથી મુક્ત કરી ટ્રાફિક સમસ્યા તેમજ અકસ્માતોના ભયને ઘટાડવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા હવે કડક અને સુદ્રઢ આયોજન હાથ ધરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર શ્રી IAS જયેશ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ખંભલાવ ખાતે વિકસિત થઈ રહેલી નવી અત્યાધુનિક પાંજરાપોળની વહેલી સવારે સ્થળ મુલાકાત લેવામાં આવી હતી.
સ્થળ નિરીક્ષણ બાદ કમિશનરશ્રીએ CNCD વિભાગની ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી શહેરમાં રખડતા પશુઓના કાયમી નિકાલ માટે આગામી આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય મુજબ હવે શહેરના રખડતા ઢોરોને તબક્કાવાર રીતે ખંભલાવ સ્થિત નવી પાંજરાપોળમાં ખસેડવાની પ્રક્રિયા હાથ ધરાશે.
આ સમગ્ર પ્રક્રિયાને વધુ પારદર્શક અને સુવ્યવસ્થિત બનાવવા માટે ગૌ રક્ષક સંગઠનો, સામાજિક સંસ્થાઓ તથા શહેરના અગ્રણીઓ સાથે વિશેષ બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન ઉપસ્થિત અગ્રણીઓએ પશુઓના સંરક્ષણ અને યોગ્ય વ્યવસ્થાપન માટે અનેક રચનાત્મક સૂચનો રજૂ કર્યા હતા.
કમિશનર જયેશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે નવી પાંજરાપોળમાં પશુઓ માટે પીવાના પાણી, શેડ, ઘાસચારો તેમજ તબીબી સારવાર જેવી આધુનિક અને પૂરતી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. પશુઓને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે તમામ વ્યાજબી સૂચનોને ધ્યાનમાં રાખી યોગ્ય અમલ કરવામાં આવશે.
વહીવટી તંત્ર દ્વારા આ જનહિતના અભિયાનમાં ગૌ રક્ષકો, સામાજિક સંગઠનો અને નાગરિકોના સહકારની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.




