
પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે કેશોદ શહેરના વિવિધ વિસ્તારો તેમજ મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. પુરુષોત્તમ માસ હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ ધરાવતો માસ માનવામાં આવે છે, જેમાં ભક્તો પૂજા-પાઠ, કથા, દાન અને ધાર્મિક અનુષ્ઠાન દ્વારા આધ્યાત્મિક લાભ પ્રાપ્ત કરે છે. આ માસને ભગવાન વિષ્ણુને સમર્પિત માનવામાં આવે છે અને ભક્તિ, સદાચાર તથા સેવાભાવ માટે ઉત્તમ અવસર ગણાય છે. આ અનુસંધાને કેશોદના જગન્નાથ વિસ્તારમાં બહેનો દ્વારા ગોરબાઈ પૂજન તેમજ સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં બહેનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ભક્તિભાવ સાથે ગોરબાઈનું પૂજન કર્યું હતું. સત્યનારાયણ ભગવાનની કથા દરમિયાન ધાર્મિક વાતાવરણ વચ્ચે શ્રદ્ધાળુઓએ કથાશ્રવણનો લાભ લીધો હતો. ત્યારબાદ આરતી અને પૂજન વિધિ બહેનો દ્વારા આનંદ, ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિમય માહોલ સર્જાયો હતો અને ઉપસ્થિત મહિલાઓમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો. ધાર્મિક કાર્યક્રમના અંતે પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું હતું અને સૌએ પવિત્ર પુરુષોત્તમ માસ દરમિયાન આવા ધાર્મિક આયોજનોમાં જોડાઈ આધ્યાત્મિક લાભ લેવા અનુરોધ વ્યક્ત કર્યો હતો.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





