ARAVALLIGUJARATMODASA

મોડાસા પાવન સિટીમાં નિવૃત્ત DYSP ને લિફ્ટમાં અટકાવી ગેરકાયદેસર અટકાયતનો આક્ષેપ, બે સામે ફરિયાદ નોંધાઈ 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા પાવન સિટીમાં નિવૃત્ત DYSP ને લિફ્ટમાં અટકાવી ગેરકાયદેસર અટકાયતનો આક્ષેપ, બે સામે ફરિયાદ નોંધાઈ

મોડાસા : અરવલ્લી જિલ્લાના મોડાસા શહેરની પાવન સિટી સોસાયટીમાં રહેતા નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક (DYSP) મહેશચંદ્ર મથુરભાઈ પટેલે બે સોસાયટી સભ્યો સામે ગેરકાયદેસર અટકાયત અને ગાળો બોલ્યાની ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ મુજબ, મહેશચંદ્ર પટેલ વર્ષ 2012માં પોલીસ વિભાગમાંથી નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિવૃત્ત થયા બાદ હાલ પાવન સિટીના ઈ-ટાવરમાં રહે છે. તેઓએ અગાઉ સોસાયટીના વહીવટ અને હિસાબ અંગે માહિતી માંગતા વહીવટી સભ્યોને નોટિસો આપી હતી તેમજ જિલ્લા રજિસ્ટ્રાર સમક્ષ પણ રજૂઆત કરી હતી. તેમ છતાં માંગેલી માહિતી આપવામાં આવી ન હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.ફરિયાદ અનુસાર, 11 જુલાઈની રાત્રે આશરે 8:30 વાગ્યે તેઓ પત્ની સાથે ઘરે પરત ફર્યા હતા. લિફ્ટ પાસે ભરતભાઈ શાહ અને અનિલસિંહ સિસોદિયા હાજર હતા. આ દરમિયાન ભરતભાઈએ તેમની સામે અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ છે.ત્યારબાદ તેઓ લિફ્ટ મારફતે ચોથા માળે પહોંચતા જ અચાનક લિફ્ટની વીજળી બંધ થઈ જતા લિફ્ટ અટકી ગઈ હતી. ફરિયાદી પોતે હાર્ટના દર્દી હોવાથી ગભરાઈ ગયા હતા. તેમણે જાતે જ લિફ્ટનો દરવાજો ખોલીને બહાર નીકળી સીડી મારફતે નીચે આવ્યા, પરંતુ બંને આરોપીઓ ત્યાંથી જતાં રહ્યા હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.નિવૃત્ત અધિકારીએ આ ઘટનાને સોસાયટીના હિસાબ અંગે સતત કરવામાં આવતી માંગણી સાથે જોડીને જણાવ્યું છે કે તેમને હેરાન કરવા અને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાના ઇરાદાથી લિફ્ટ બંધ કરવામાં આવી હતી.આ મામલે તેમણે ભરતભાઈ શાહ અને અનિલસિંહ સિસોદિયા સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!