MEHSANAVIJAPUR

અમેરિકામાં વિજાપુર તાલુકાની દીકરીની કરૂણ હત્યા જંત્રાલ ગામની મેઘના પટેલ પર સ્ટોરમાં આડેધડ ફાયરિંગ, સમગ્ર પંથકમાં શોકની લાગણી

અમેરિકામાં વિજાપુર તાલુકાની દીકરીની કરૂણ હત્યા
જંત્રાલ ગામની મેઘના પટેલ પર સ્ટોરમાં આડેધડ ફાયરિંગ, સમગ્ર પંથકમાં શોકની લાગણી
વિજાપુર તાલુકાના જંત્રાલ ગામની મૂળ વતની અને છેલ્લા દસ વર્ષથી અમેરિકાના વર્જિનિયા શહેરમાં વસવાટ કરતી ૫૬ વર્ષીય મેઘનાબેન પટેલની ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે.મળતી માહિતી મુજબ મેઘનાબેન પટેલ અમેરિકામાં એક સ્ટોરમાં નોકરી કરતા હતા. દરમિયાન લૂંટના ઇરાદે સ્ટોરમાં ઘૂસેલા અજાણ્યા બુકાનીધારી શખ્સોએ અચાનક આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. ઘટનામાં મેઘનાબેન પટેલને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું મોત નીપજ્યું હતું. ઘટનાને અંજામ આપ્યા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા.
આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતાં અમેરિકાની સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.
મેઘનાબેનના પરિવારમાં પતિ ઉપેન્દ્રભાઈ પટેલ, પુત્ર સ્મિત અને પુત્રી નક્ષી હાલમાં અમેરિકા ખાતે રહે છે. જ્યારે જંત્રાલ ગામે રહેતા તેમના પિતા કરશનભાઈ પટેલ અને માતા કપિલાબેનને પુત્રીના હત્યાના સમાચાર મળતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. સમગ્ર જંત્રાલ ગામમાં પણ શોકનું મોજું ફરી વળ્યું હતું.
અમદાવાદ ખાતે રહેતા તેમના ભાઈને ઘટનાની જાણ થતાં તેઓ તાત્કાલિક પોતાના વતન જંત્રાલ ખાતે દોડી આવ્યા હતા. ગામલોકો અને સગાસંબંધીઓ દ્વારા પરિવારને સાંત્વના પાઠવવામાં આવી રહી છે.
વિદેશની ધરતી પર વિજાપુર તાલુકાની દીકરીની કરૂણ હત્યાની ઘટનાએ સમગ્ર પંથકને સ્તબ્ધ બનાવી દીધું છે.

Back to top button
error: Content is protected !!