MEHSANAVIJAPUR

મહેસાણામાં ઓડિયોક્લિપ મારફત યુધ્ધ ચંદ્રકાન્ત પટેલ અને પિન્ટુ પટેલ બાદ હવે વિજાપુરના MLA સી.જે. ચાવડાનો કથિત ઓડિયો વાયરલ

મહેસાણામાં ઓડિયોક્લિપ મારફત યુધ્ધ ચંદ્રકાન્ત પટેલ અને પિન્ટુ પટેલ બાદ હવે વિજાપુરના MLA સી.જે. ચાવડાનો કથિત ઓડિયો વાયરલ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
રાજકારણ ની લેબોરેટરી ગણાતા મહેસાણા જિલ્લાના રાજકારણમાં છેલ્લા ત્રણ દિવસથી કથિત ઓડિયો ક્લિપોના કારણે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. ચંદ્રકાન્ત પટેલ અને પિન્ટુ પટેલ બાદ હવે વિજાપુરના ભાજપના ધારાસભ્ય ડો સી જે ચાવડા નો એક કથિત ઓડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો માહોલ સર્જાયો છે.
વાયરલ થયેલી આ કથિત ઓડિયો ક્લિપમાં ધારાસભ્ય અને એક અજાણ્યા કાર્યકર વચ્ચેની વાતચીત હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં કથિત રીતે સી.જે. ચાવડા એવું કહેતા સંભળાઈ રહ્યા છે કે, “હું કોંગ્રેસમાંથી આવ્યો એટલે બે કરોડ મળ્યા.” સાથે જ તેઓ ચૂંટણી દરમિયાન પક્ષો દ્વારા મળતા ભંડોળ અને ઉમેદવારોના ખર્ચ અંગે પણ ચર્ચા કરતા હોવાનું ઓડિયોમાં સંભળાય છે.
કથિત વાતચીતમાં જણાવવામાં આવે છે કે સામાન્ય રીતે ભાજપ કે કોંગ્રેસ જેવા પક્ષો ઉમેદવારોને મોટું ભંડોળ આપતા નથી અને ઉમેદવારોએ પોતાની રીતે ખર્ચ ઉઠાવવો પડતો હોય છે. જોકે, ફોર્મ પાછું ખેંચવા અથવા ઉમેદવારને બેસાડી દેવા માટે મોટી રકમોની ઓફર થતી હોવાનો પણ કથિત ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સક્ષમ ઉમેદવારો પોતે જ ખર્ચ સંભાળતા હોવાની વાત પણ ચર્ચામાં સંભળાઈ રહી છે.
ઓડિયોમાં કોંગ્રેસના ભવિષ્ય અંગે પણ ટિપ્પણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. કથિત રીતે સી.જે. ચાવડા કહી રહ્યા છે કે ગુજરાતમાં આગામી દસ વર્ષ સુધી કોંગ્રેસનું કોઈ ભવિષ્ય દેખાતું નથી અને પક્ષ ચૂંટણી જીતે તેવી સ્થિતિમાં નથી.
આ સાથે ભાજપના કેટલાક કાર્યકરો પક્ષના નામે “ધંધો” કરતા હોવાની ચર્ચા પણ કથિત ઓડિયોમાં સંભળાય છે. ખાણ-ખનિજ, રેતીના ગેરકાયદે ધંધા તેમજ સરકારી કામોમાં કમિશન અને કોન્ટ્રાક્ટ દ્વારા કમાણી થતી હોવાના આક્ષેપો પણ ચર્ચામાં આવ્યા છે.
વાતચીત દરમિયાન સી.જે. ચાવડાએ એક ગામની મુલાકાતનો ઉલ્લેખ કરતાં એવું પણ કહ્યું હોવાનું વાયરલ ઓડિયોમાં સાંભળવા મળે છે કે, “૧૦-૧૨ વર્ષનું બાળક પણ કહે છે કે મોટા થઈને કોંગ્રેસમાં ઊભા રહેવાનું અને પછી ફોર્મ પાછું ખેંચી લેવાનું એટલે પૈસા મળે.” આ સાથે તેઓએ બાળકોમાં આવી નકારાત્મક માનસિકતા પ્રવેશી જતી હોવાની ચિંતા પણ વ્યક્ત કરી હોવાનું કહેવાય છે.
કથિત ઓડિયો અંગે ધારાસભ્ય સી.જે. ચાવડાનો સંપર્ક કરતાં તેમણે જણાવ્યું હતું કે, “મને આ વિશે કંઈ ખબર નથી. હું આ બાબતે કંઈ જાણતો નથી. દિલ્હીથી પરત આવીશ પછી ચર્ચા કરીશ.”
ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ વિશે અપમાનજનક શબ્દો વાપરતા કોર્પોરેટર ચંદ્રકાન્ત પટેલનો તેમજ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ તૃષાબેન પટેલના પતિ પિન્ટુ પટેલનો કથિત ઓડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. મહેસાણા જિલ્લામાં સતત બહાર આવી રહેલી આવી ઓડિયો ક્લિપોએ રાજકીય માહોલ વધુ ગરમાવ્યો છે.

Back to top button
error: Content is protected !!