NAVSARINAVSARI CITY / TALUKO

નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈની વરણી…

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

નવસારી મનપાના સર્વોચ્ચ પદે અશોક ધોરાજીયા અને ડેપ્યુટી મેયર તરીકે કેયુરી દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશ અગ્રવાલ અને શાસક પક્ષના નેતા તરીકે નરેશ પુરોહિત અને દંડક તરીકે રાકેશ પટેલની પસંદગી…

નવસારી મહાનગરપાલિકાની પ્રથમ સામાન્ય સભામાં ભાજપે ઐતિહાસિક વિજય બાદ શહેરના મુખ્ય હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરતા ભાજપ મોવડી મંડળમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ભાજપના વરિષ્ઠ અને સમાજસેવામાં આગવું સ્થાન ધરાવતા અશોકભાઈ ધોરાજીયાની નવસારી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે વરણી કરવામાં આવતા કાર્યકર્તાઓમાં ઉત્સાહની લાગણી જોવા મળી હતી. સાથે જ ડેપ્યુટી મેયર તરીકે કેયુરીબેન દેસાઈ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકેશભાઈ અગ્રવાલ, શાસક પક્ષના નેતા તરીકે નરેશભાઈ પુરોહિત અને દંડક તરીકે રાકેશભાઈ પટેલના નામોની જાહેરાત કરવામાં આવી હતી.

ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠનના મેન્ડેટ મુજબ આ તમામ નિમણૂકો જાહેર થતા કાર્યકર્તાઓએ ટાઉન હોલ ખાતે ભારે ઉત્સાહ સાથે વધામણી કરી હતી. નવસારી મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે પ્રચંડ જનસમર્થન સાથે 52 માંથી 50 જેટલી ઐતિહાસિક બેઠકો કબજે કરી શહેરના રાજકારણમાં એકતરફી દબદબો સ્થાપ્યો હતો. પરિણામે તમામ મહત્વના હોદ્દાઓ પર ભાજપે સરળતાથી નિયુક્તિ કરી શકી હતી.

રાજકીય અને સામાજિક ક્ષેત્રે લાંબા સમયથી સક્રિય અશોકભાઈ ધોરાજીયા છેલ્લા 40 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા રહી દક્ષિણ ગુજરાતમાં સમાજસેવાની ધૂણી ધખાવી રહ્યા છે. સંગઠન પ્રત્યેની નિષ્ઠા, જનસંપર્ક અને વિકાસલક્ષી અભિગમને ધ્યાનમાં રાખી પાર્ટીએ તેમને શહેરના પ્રથમ નાગરિક તરીકે જવાબદારી સોંપી છે. તેમના મેયર બનતા કાર્યકર્તાઓ અને સમર્થકોમાં આનંદની લાગણી પ્રસરી ગઈ હતી.

નવસારી મહાનગરપાલિકાના ટાઉન હોલ ખાતે યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નવા હોદ્દેદારોનું પુષ્પગુચ્છથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ,નવસારી જિલ્લા પંચાયત પ્રમુખ નિરાલીબેન નાયક, બિલ્ડર્સ એસોસિએશનના અગ્રણી ભરતભાઈ સુખડિયા સહિત અનેક આગેવાનો હાજર રહી શુભેચ્છાઓ પાઠવી હતી.

ભાજપના આ ઐતિહાસિક વિજય બાદ હવે શહેરના સર્વાંગી વિકાસ, આધુનિક સુવિધાઓ, ટ્રાફિક વ્યવસ્થા, સફાઈ, પાણી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઝડપી નિર્ણયોની આશા શહેરજનો વ્યક્ત કરી રહ્યા છે. નવા હોદ્દેદારોના નેતૃત્વ હેઠળ નવસારી મહાનગરપાલિકાને વિકાસના નવા શિખરો સુધી પહોંચાડવાની ચર્ચાઓ રાજકીય વર્તુળોમાં જોર પકડી રહી છે.

Back to top button
error: Content is protected !!