
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પંચાયતનાં પ્રમુખ તરીકે રાજેશભાઈ ગામીતની પસંદગી બાદ કેટલાક અસંતોષી તત્વોએ તેઓ ખ્રિસ્તી ધર્મ પાળતા હોવાની વાતને આગળ ધપાવી હિન્દૂ સંગઠનોમાં વિરોધ ઊભો થશે તેવી અફવાઓ ફેલાવવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો.જોકે ડાંગ જિલ્લા પંચાયતનાં નવ નિયુક્ત પ્રમુખ રાજેશભાઈ ગામીતે પોતાના વર્તન અને કાર્યશૈલી દ્વારા સ્પષ્ટ કરી દીધુ છે કે વિકાસ, સેવા અને લોકહિત માટે કાર્ય કરનાર નેતાનું મૂલ્યાંકન ધર્મથી નહીં પરંતુ કર્મથી થવું જોઈએ.ડાંગ જિલ્લાના રાજકીય અને સામાજિક ક્ષેત્રે વહીવટી તેમજ સંગઠનાત્મક કુશળતા ધરાવતા રાજેશભાઈ ગામીત વર્ષોથી આદિવાસી સમાજના આગેવાન તરીકે ઓળખાય છે.તેમનો મિલનસાર સ્વભાવ, સામાન્ય લોકો પ્રત્યેની લાગણી અને લોકહિતને પ્રાથમિકતા આપતી કાર્યપદ્ધતિને કારણે તેઓ જિલ્લામાં લોકપ્રિય બન્યા છે. છતાં કેટલાક વિઘ્નસંતોષી તત્વોએ તેમની પ્રતિષ્ઠાને ઠેસ પહોંચાડવા માટે સમગ્ર મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપવાનો પ્રયાસ કર્યો હતો.પરંતુ તમામ અટકળો અને અફવાઓને ખોટી સાબિત કરતાં રાજેશભાઈ ગામીત જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે જાહેર થયા બાદ સીધા ડાંગ જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ અર્ધનારેશ્વર નાગ જ્યોતિર્લિંગ ખાતે પહોંચ્યા હતા.ત્યાં તેમણે પૂજ્ય અનેકરૂપી મહારાજના આશીર્વાદ મેળવી સમાજમાં એકતા અને સૌહાર્દનો સ્પષ્ટ સંદેશ આપ્યો હતો.એટલું જ નહીં, ડાંગ જિલ્લાના 311 ગામોમાં હનુમાનજી મંદિરોના નિર્માણ માટે જાણીતા પૂજ્ય પીપી સ્વામીના પણ આશીર્વાદ મેળવી તેમણે સાંપ્રદાયિક ઝેર ફેલાવનારાઓને મૌન જવાબ આપ્યો હતો.આ પ્રસંગે પૂજ્ય અનેકરૂપી મહારાજે રાજેશભાઈ ગામીતને જિલ્લાના સર્વાંગી વિકાસ માટે આશીર્વાદ આપતા જણાવ્યું હતું કે ડાંગના દરેક વર્ગ સુધી વિકાસ પહોંચે અને સમાજમાં ભાઈચારો વધુ મજબૂત બને તે દિશામાં કાર્ય થવું જોઈએ. આ પ્રસંગે સ્પષ્ટ સંદેશ મળ્યો કે સાચા સંતો અને સમાજના આગેવાનો ક્યારેય વિભાજનની રાજનીતિને પ્રોત્સાહન આપતા નથી.સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બાદ ભાજપ માટે આવેલા વિષમ પરિણામો વચ્ચે મહત્વના હોદ્દાઓ માટે આંતરિક રાજકીય ખેંચતાણ પણ ચાલી રહી હતી. કેટલાક નેતાઓએ પોતાના માનીતા ઉમેદવારોને આગળ ધપાવવા માટે મોવડીમંડળ સુધી દોડધામ કરી હતી. ત્યારે રાજેશભાઈ ગામીતના નામ સામે ધાર્મિક મુદ્દો ઉભો કરવાનો પ્રયાસ રાજકીય નિરાશાનું પ્રતિબિંબ માનવામાં આવી રહ્યો છે. જોકે જનતા અને સંત સમાજના આશીર્વાદથી આવા તમામ પ્રયાસો પત્તાના મહેલ સમાન ધરાશાયી થયા હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.આ અંગે જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “સૌનો સાથ, સૌનો વિકાસ”ના મંત્રને અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના વિકાસમાર્ગને આગળ ધપાવી ડાંગ જિલ્લાના દરેક વ્યક્તિ સુધી વિકાસનો લાભ પહોંચાડવા તેઓ પ્રતિબદ્ધ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે સમાજને તોડવાની નહીં પરંતુ જોડવાની રાજનીતિ જ દેશ અને જિલ્લાના હિતમાં છે..





