ફ્રાન્સ-બ્રિટનમાં ભયાનક હીટવેવ, ગરમીને કારણે 7ના મોત

પશ્ચિમી યુરોપ હાલમાં તેજ હીટવેવની ઝપેટમાં છે. ફ્રાન્સ અને યુકેમાં મે મહિનામાં અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગે પણ ચેતવણી આપી છે અને ફ્રાન્સમાં તો ગરમીના લીધે સાતના મોત થયા છે. અહેવાલ મુજબ ઉત્તર આફ્રિકાથી યુરોપ તરફ આવેલી ગરમ હવાના કારણે આ સ્થિતિ સર્જાઈ છે. તેના કારણે કેટલાય સ્થળે તાપમાન એટલું વધ્યું છે કે હીટડોમ કહેવાય છે.
બ્રિટનમાં વિક્રમજનક ગરમી પડી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સોમવારે દક્ષિણ-પશ્ચિમ લંડનમાં તાપમાન 34.8 ડિગ્રી સુધી પહોંચ્યું હતું. આ મે મહિનાનું અત્યાર સુધીનું સૌથી વધુ તાપમાન છે. જૂના રેકોર્ડથી બે ડિગ્રી વધારે છે. હવામાન વિભાગે જણાવ્યું હતું કે આટલી ગરમી સામાન્ય રીતે ઉનાળાના દિવસો દરમિયાન જોવા મળે છે. જ્યારે મેમાં લંડનનું સરેરાશ તાપમાન ૧૭થી ૧૮ ડિગ્રી સેલ્સિયસ રહે છે.હવામાન વિભાગે એમ પણ જણાવ્યું કે મંગળવારની રાત મે મહિનાની સૌથી ગરમ રાત તરીકે રેકોર્ડ કરવામાં આવી.
ફ્રાન્સમાં પણ સ્થિતિ ગંભીર છે. દેશની હવામાન એજન્સી મેટિયો ફ્રાન્સે જણાવ્યું હતું કે સોમવારનો દિવસ મે મહિનાનો સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉત્તર-પશ્ચિમ ફ્રાન્સ માટે ઓરેન્જ હીટવેવ એલર્ટ જારી કરવામાં આવ્યું હતું, જે ચેતવણીનું બીજા નંબરનું સ્તર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ કેટલાય વિસ્તારોમાં તાપમાન ૩૬ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. પેરિસમાં શનિવારનું તાપમાન ૩૧.૯ ડિગ્રી નોંધાયું હતું.
આ વર્ષે પેરિસમાં પહેલી વખત તાપમાન 30 ડિગ્રીના ઉપર ગયું. હીટવેવથી જર્મની, સ્પેન અને ઇટાલી પણ બાકાત રહી શક્યા ન હતા. જર્મનીમાં આ વર્ષે પહેલી વખત તાપમાન 30 ડિગ્રીને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાન વધી શકે છે. સ્પેનમાં પણ સ્થિતિ ગંભીર છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ સ્પેનમાં આગામી દિવસોમાં તાપમાન 40 ડિગ્રીને સ્પર્શી શકે છે. ઇટાલીમાં તો ગરમીના લીધે કેટલાય વિસ્તારોમાં ખુલ્લામાં કામ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ગયા વર્ષે પણ આવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હાતો, પરંતુ આ વર્ષે ગરમી વહેલા શરૂ થઈ ગઈ છે.





