MORBI:મોરબીમાં ઘર આંગણે ગાંજાનું વાવેતર: એસ.ઓ.જી. ટીમે રૂ. ૨.૧૮ લાખના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો







MORBI:મોરબીમાં ઘર આંગણે ગાંજાનું વાવેતર: એસ.ઓ.જી. ટીમે રૂ. ૨.૧૮ લાખના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડ્યો


મોરબીના સામાકાંઠા વિસ્તારમાં ઘરની સામે આવેલા વાડામાં ગેરકાયદેસર રીતે ગાંજાનું વાવેતર કરાતું હોવાનો પર્દાફાશ મોરબી એસ.ઓ.જી. ટીમે કર્યો છે. પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને નાના-મોટા લીલા છોડ તેમજ સુકા ગાંજાના જથ્થા સાથે એક આરોપીને રંગેહાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, મોરબી એસ.ઓ.જી. ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે સામાકાંઠા વિસ્તારમાં વિદ્યુતનગર પાછળ, ભારતનગર મફતિયાપરામાં રહેતા પ્રભુભાઈ રઘુભાઈ મકવાણાએ પોતાના રહેણાંક મકાનની સામે આવેલા કબજા ભોગવટાવાળા વાડામાં પ્રતિબંધિત વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજાના છોડનું ગેરકાયદેસર વાવેતર કર્યું છે.
આ બાતમીના આધારે એસ.ઓ.જી.ની ટીમે ઘટનાસ્થળે ઓચિંતો દરોડો (રેઇડ) પાડ્યો હતો. સર્ચ ઓપરેશન દરમિયાન વાડામાંથી ગાંજાના નાના-મોટા છોડ અને અન્ય જથ્થો મળી આવ્યો હતો.
રૂ. ૨.૧૮ લાખનો મુદ્દામાલ જપ્ત :પોલીસે સ્થળ પરથી કુલ ૪ કિલો ૩૭૬ ગ્રામ ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂ. ૨,૧૮,૮૦૦ આંકવામાં આવી છે. પોલીસે આ તમામ મુદ્દામાલ કબજે કરીને આરોપી પ્રભુભાઈ રઘુભાઈ મકવાણાની અટકાયત કરી છે.
NDPS એક્ટ હેઠળ ગુનો દાખલ આ મામલે પોલીસે આરોપી વિરૂદ્ધ મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. (NDPS) એક્ટ કલમ-૮ (સી), ૨૦ (એ), (બી) મુજબ ગુનો રજીસ્ટર કરાવ્યો છે. આ ગેરકાયદેસર નેટવર્કમાં અન્ય કોઈ સંડોવાયેલું છે કે કેમ અને આરોપી આ માદક પદાર્થ ક્યાં સપ્લાય કરવાનો હતો, તે દિશામાં મોરબી સીટી બી ડીવીઝન પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.



