
ખેરગામમાં સ્વાગત કાર્યક્રમ ગુપ્ત રીતે યોજાયો?પત્રકારોને રાખાયા અજાણ, શું નવા કલેક્ટર સામે ખેરગામ તંત્રનો ભ્રષ્ટાચાર ખુલ્લો પડી જવાનો ડર?
ખેરગામ: નવસારી જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને ખેરગામ સેવા સદન કચેરીના સભાખંડ ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ નાગરિકોના પ્રશ્નોનું સમયસર અને અસરકારક નિરાકરણ લાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન તાલુકાના નાગરિકો દ્વારા વ્યક્તિગત તેમજ જાહેર હિતને લગતી ફરિયાદો રજૂ કરવામાં આવી હતી. સંબંધિત વિભાગોના અધિકારીઓ અને અરજદારોની ઉપસ્થિતિમાં રજૂઆતોની ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટર મનીષ ગુરવાનીએ અધિકારીઓને અરજીઓના ઝડપી અને સંતોષકારક નિકાલ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.જોકે સમગ્ર કાર્યક્રમ દરમિયાન એક મહત્વપૂર્ણ બાબત ચર્ચાનો વિષય બની હતી. નવનિયુક્ત કલેક્ટર પ્રથમ વખત ખેરગામ પધાર્યા હોવા છતાં સ્થાનિક પત્રકારો તેમજ ખેરગામ પત્રકાર સંઘને કાર્યક્રમ અંગે કોઈ આગોતરી જાણ કરવામાં આવી નહોતી. પરિણામે મોટાભાગના પત્રકારો કાર્યક્રમથી અજાણ રહ્યા હતા. સ્થાનિકોમાં ચર્ચા છે કે જો મીડિયાને જાણ કરવામાં આવી હોત તો ખેરગામ-વડપાડા પાટી માર્ગ પર ચાલી રહેલા આશરે 19 કરોડના સિમેન્ટ કોન્ક્રીટ માર્ગના કામ, ગ્રામજનોને પડી રહેલી હાલાકી, બસ-રિક્ષા જેવી સુવિધાઓના પ્રશ્નો તેમજ અન્ય સ્થાનિક મુદ્દાઓ નવા કલેક્ટર સમક્ષ ઉઠી શક્યા હોત.કલેક્ટર સાહેબે વડપાડા ગામની પણ મુલાકાત લીધી હતી. જોકે મીડિયાને દૂર રાખવામાં આવતા હવે સ્થાનિકોમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે અને સવાલ ઉઠી રહ્યા છે કે શું ખરેખર ખેરગામ તંત્રને નવા કલેક્ટર સમક્ષ સ્થાનિક પ્રશ્નો અને સંભવિત ગેરરીતિઓ ખુલ્લી પડી જવાનો ભય હતો?





