
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
શામળાજી હાઈવે પર ગમખ્વાર અકસ્માત : મહિલા CHOનું મોત, સાથી કર્મચારી ગંભીર – 1 વર્ષના બાળકે માતાની છત્રછાયા ગુમાવી
અરવલ્લી જિલ્લાના શામળાજી નેશનલ હાઈવે-48 પર આવેલા વેણપુર નજીક જૂની આરટીઓ કચેરી પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા પર પસાર થઈ રહેલા આરોગ્ય વિભાગના બે મહિલા કર્મચારીઓને પાછળથી ટ્રકે ટક્કર મારતા એક મહિલા CHOનું મોત થયું હતું જ્યારે અન્ય મહિલા કર્મચારી ગંભીર રીતે ઈજાગ્રસ્ત બન્યા હતા

મળતી માહિતી મુજબ જાંબુડી અને પાંચમહુડી આરોગ્ય વિભાગમાં CHO તરીકે ફરજ બજાવતા પાયલબેન રાજેન્દ્રભાઈ નીનામા (ઉ.વ. 32) પોતાની એક્ટિવા નંબર GJ 31 B1 0113 લઈને પાંચમહુડીથી શામળાજી તરફ જઈ રહ્યા હતા. તેમની સાથે સાથી કર્મચારી વૈભવીબેન બાબુભાઈ ચોક્સી, રહે. હિંમતનગર પણ પાછળ બેઠેલા હતા.બપોરે અંદાજે 3:30 કલાકે બંને મહિલા કર્મચારીઓ વેણપુર પાસે જૂની આરટીઓ કચેરી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવી રહેલી ટ્રક નંબર RJ 14 GR 1771ના ચાલકે બેદરકારીપૂર્વક એક્ટિવાને પાછળથી ટક્કર મારી હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે બંને મહિલાઓને ગંભીર ઇજાઓ પહોંચી હતી. સ્થાનિક લોકોની મદદથી બંનેને તાત્કાલિક સારવાર માટે શામળાજી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન પાયલબેન નીનામાનું અડધા કલાકમાં મોત થયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૈભવીબેન ચોક્સીને વધુ સારવાર માટે હિંમતનગર રિફર કરવામાં આવ્યા હતા.અકસ્માતની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.





