NAVSARIVANSADA

પેટ્રોલ ડીઝલના ભાવ વધારા સામે વાંસદામાં કોંગ્રેસનો વિરોધ પ્રદર્શન: ભાવવધારો પાછો ના ખેંચાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

વાંસદા તા.૨૮ : રાજ્ય અને દેશમાં સતત વધી રહેલા પેટ્રોલ, ડીઝલ અને રસોઈ ગેસના ભાવ સામે હવે ગ્રામ્ય અને આદિવાસી વિસ્તારોમાં પણ જનઆક્રોશ ઉગ્ર બનતો જઈ રહ્યો છે. વાંસદા તાલુકા યુવક કોંગ્રેસ દ્વારા હનુમાનબારી ખાતે પેટ્રોલ-ડીઝલ અને ગેસના સતત વધતા ભાવોના વિરોધમાં જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનનું નેતૃત્વ વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલદ્વારા કરવામાં આવ્યું હતું.

હનુમાનબારી પેટ્રોલ પંપ નજીક યોજાયેલા આ વિરોધ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં યુવક કોંગ્રેસના કાર્યકરો, સ્થાનિક આગેવાનો અને ગ્રામ્ય વિસ્તારના લોકો જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન કેન્દ્ર સરકાર અને તેલ કંપનીઓ વિરુદ્ધ સૂત્રોચ્ચાર સાથે ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવાની માંગ ઉઠાવવામાં આવી હતી. ત્યારબાદ કાર્યકરો રેલી સ્વરૂપે હનુમાનબારીથી વાંસિયા તળાવ સર્કલ સુધી પહોંચ્યા હતા, જ્યાં ભાવવધારા વિરુદ્ધ જોરદાર નારેબાજી કરવામાં આવી હતી.

ધારાસભ્ય અનંત પટેલે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, “પેટ્રોલ-ડીઝલ અને ગેસના સતત વધતા ભાવને કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારોનું બજેટ સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. રોજબરોજની જરૂરિયાતોની વસ્તુઓ મોંઘી બનતા ગરીબ અને આદિવાસી પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. નાના વેપારીઓ, ખેડૂતો અને રોજિંદા મજૂરી કરીને જીવન ચલાવતા લોકો માટે પરિસ્થિતિ અત્યંત મુશ્કેલ બની ગઈ છે.”

તેમણે વધુમાં સરકારને ચેતવણી આપતાં જણાવ્યું કે, “જો ભાવવધારો તાત્કાલિક પાછો ખેંચવામાં નહીં આવે તો યુવક કોંગ્રેસ અને જનતા સાથે મળી ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. લોકોના પ્રશ્નો અંગે કોંગ્રેસ રસ્તા પર ઉતરવામાં ક્યારેય પાછળ નહીં પડે.”

આ કાર્યક્રમમાં યુવક કોંગ્રેસના પ્રભારી મનપ્રીતસિંઘ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત યુથ પ્રમુખ ધર્મેશ ભોયા, ઝેબા પઠાણ, પુરબ, ગૌરાંગ, મયુર, મનીષ, જીતુ, સાવન સહિત અનેક કાર્યકરો સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!