MORBI:મોરબી હોમગાર્ડના જવાનોની ઈમાનદારી: રસ્તા પરથી મળેલ કિંમતી મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યો







MORBI:મોરબી હોમગાર્ડના જવાનોની ઈમાનદારી: રસ્તા પરથી મળેલ કિંમતી મોબાઈલ મૂળ માલિકને પરત સોંપ્યો


આજના સમયમાં જ્યાં લોકો કિંમતી વસ્તુઓ જોઈને લલચાઈ જતા હોય છે, ત્યારે મોરબી હોમગાર્ડના જવાનોએ ફરજ દરમિયાન ઈમાનદારી અને જવાબદારીનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રસ્તા પરથી મળેલા એક કિંમતી મોબાઈલ ફોનને તેના અસલી માલિક સુધી પહોંચાડીને જવાનોએ માનવતા અને ખાખીનું ગૌરવ વધાર્યું છે.

મળતી માહિતી મુજબ, મોરબીના રવાપર કેનાલ ચોકડી વિસ્તારમાં ફરજ પર તૈનાત હોમગાર્ડના જવાનોને રસ્તા પરથી એક લાવારિસ મોબાઈલ ફોન મળી આવ્યો હતો. ફોન મળ્યા બાદ જવાનોએ સહેજ પણ લાલચ રાખ્યા વિના તુરંત જ તેના મૂળ માલિકની શોધખોળ શરૂ કરી હતી.
યોગ્ય તપાસ અને પૂછપરછના અંતે મોબાઈલના અસલી માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કાયદેસરની ખાતરી કરીને જવાનોએ આ મોબાઈલ ફોન સહી-સલામત રીતે તેના મૂળ માલિકને પરત સોંપ્યો હતો. પોતાનો ગુમ થયેલો ફોન પાછો મળતા માલિકે હોમગાર્ડ જવાનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો.
ઈમાનદારીની આ સરાહનીય કામગીરીમાં મોરબી હોમગાર્ડના બે જવાનો અગ્રેસર રહ્યા હતા:શ્રી બી.એમ. પરમાર (સનદ નં. 602) શ્રી પી.સી. રવેશિયા (સનદ નં. 565) હોમગાર્ડના આ બંને જવાનોની આવી પ્રશંસનીય અને ઈમાનદારીભરી કામગીરીને પગલે સ્થાનિક લોકો દ્વારા તેમના ખુબ વખાણ કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ, મોરબી હોમગાર્ડ વિભાગ દ્વારા પણ બંને જવાનોની પીઠ થાબડીને તેમને ઉજ્જવળ ફરજ બદલ ખાસ અભિનંદન પાઠવવામાં આવ્યા છે.



