MORBI:મોરબી મનપામાં પદવિતરણમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરોએ ‘કમલમ’ની બેઠકથી દૂૂર રહ્યા







MORBI:મોરબી મનપામાં પદવિતરણમાં દલવાડી સમાજના 8 કોર્પોરેટરોએ ‘કમલમ’ની બેઠકથી દૂૂર રહ્યા


મોરબી મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણીના પરિણામો બાદ ભાજપમાં આંતરિક નારાજગી અને અસંતોષનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. મહાનગરપાલિકાની કુલ 52 બેઠકોમાંથી દલવાડી સમાજના 08 જેટલા કોર્પોરેટરો વિજેતા બન્યા હોવા છતાં, સત્તાવાર પદવિતરણમાં સમાજના એકપણ પ્રતિનિધિને સ્થાન ન મળતા રાજકીય ગરમાવો આવી ગયો છે. વર્ષોથી ભાજપની મજબૂત વોટબેંક ગણાતા દલવાડી સમાજમાં આ નિર્ણયને પગલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, દલવાડી સમાજના બે દિગ્ગજ કોર્પોરેટરો મેયર પદની રેસમાં મોખરે હતા. આમ છતાં, ભાજપ હાઈકમાન્ડ દ્વારા પક્ષના પ્રાથમિક સદસ્ય પણ નહોતા તેવા ઉત્તમ સુરાણીની મોરબી મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે પસંદગી કરવામાં આવતા આશ્ચર્ય સાથે નારાજગી ફેલાઈ હતી. આટલું જ ઓછું હોય તેમ, ત્યારબાદ જાહેર કરાયેલા ડેપ્યુટી મેયર, કારોબારી ચેરમેન કે કારોબારી સમિતિના સભ્યોમાં પણ દલવાડી સમાજના એકપણ કોર્પોરેટરને સ્થાન આપવામાં આવ્યું નથી. સમાજને સંપૂર્ણપણે વંચિત રાખવામાં આવતા પક્ષ સામે પક્ષપાતના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.”મોરબી શહેરમાં દલવાડી સમાજ સૌથી મોટું મતબળ ધરાવે છે. લોકસભા, વિધાનસભા અને હવે મહાનગરપાલિકાની ચૂંટણીમાં પણ ભાજપને ઐતિહાસિક લીડ અપાવવામાં આ સમાજનો સિંહફાળો રહ્યો છે. છતાં સત્તાના સુકાન સોંપતી વખતે સમાજની ઘોર ઉપેક્ષા કરવામાં આવી છે.” – સ્થાનિક રાજકીય વિશ્લેષકો આ આંતરિક વિખવાદ અને નારાજગી ગઈકાલે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ‘કમલમ’ ખાતે યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં ખુલ્લેઆમ સપાટી પર આવી ગઈ હતી. આ બેઠકમાં જિલ્લા ભાજપના હોદ્દેદારો અને મોટાભાગના કોર્પોરેટરો હાજર રહ્યા હતા, પરંતુ દલવાડી સમાજના તમામ 08 કોર્પોરેટરોની ગેરહાજરીને પગલે ભાજપના મોવડીમંડળમાં દોડધામ મચી ગઈ છે અને રાજકીય વર્તુળોમાં અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે.ભાજપ માટે આગામી સમય ચિંતાજનક?હવે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં ભાજપ સંગઠન દ્વારા દલવાડી સમાજના આ વ્યાપક અસંતોષને ઠારવા માટે ડેમેજ કંટ્રોલના કેવા પ્રયાસો કરવામાં આવે છે. જો આ નારાજગી લાંબા સમય સુધી યથાવત રહેશે અને કોઈ યોગ્ય ઉકેલ નહીં આવે, તો આગામી સમયમાં મોરબી ભાજપ માટે આ ગજગ્રાહ મોટો ચિંતાનો વિષય બની શકે છે.



