
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
મેઘરજના લાલોડીયા ગામે પ્રેમલગ્નની અદાવતમાં હુમલો, ચાર સામે ફરિયાદ – ફરિયાદીએ બીજા લગ્ન કર્યા હોવાની જુની અદાવતમાં હુમલો કર્યાની આશંકા.!!!
મેઘરજ તાલુકાના લાલોડીયા ગામે પ્રેમલગ્નની જૂની અદાવતને લઈને યુવક અને તેના પિતા પર હુમલો થયાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે ચાર શખ્સો સામે મેઘરજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી જગદીશભાઈ દોલાભાઈ મારીવાડે પોલીસમાં નોંધાવેલી ફરિયાદ મુજબ ફરિયાદીના પ્રથમ લગ્ન માલપુર તાલુ કાના કાન્તીભાઈ ભાથીભાઈ ખાંટની દિકરી ઉર્મિલાબેન સાથે કરેલ હતા ત્યાર બાદ આશરે બે વર્ષ પહેલાં પોતાના કુંટુંબી અરજણભાઈ ઉજમાભાઈ મારીવાડની પુત્રી લીલાબેન સાથે પ્રેમસંબંધ બાદ કોર્ટ મેરેજ કર્યા હતા. ત્યારબાદથી બંને પરિવાર વચ્ચે મનદુઃખ ચાલતું હતું

ફરિયાદ અનુસાર, ૨૮ મેની વહેલી સવારે અરજણભાઈ ઉજમાભાઈ મારીવાડ અને રમેશભાઈ શનાભાઈ મારીવાડ તેમના ઘર નજીક આવી જગદીશભાઈને ગાળો બોલી ધમકાવવા લાગ્યા હતા. બાદમાં ભરતભાઈ ઉદાભાઈ મારીવાડ અને સોમાભાઈ ઉજમાભાઈ મારીવાડ પણ ત્યાં પહોંચી ગયા હતા. જગદીશભાઈએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા.આરોપ છે કે સોમાભાઈ ઉજમાભાઈ મારીવાડે હાથમાં રહેલી કુંહાડીની મુદ્દલ જગદીશભાઈના ડાબા હાથ પર મારી ઈજા પહોંચાડી હતી. બુમાબુમ સાંભળી તેમના પિતા દોલાભાઈ વચ્ચે પડતા અરજણભાઈએ લાકડી વડે તેમના બરડાના ભાગે અને હાથ પર માર માર્યો હતો. પરિવારજનો વચ્ચે પડતા વધુ મારામારી અટકાવી હતી.જતાં જતાં આરોપીઓએ “ફરી એકલા મળશો તો જીવતા નહીં છોડીએ” તેવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. ઝપાઝપી દરમિયાન દોલાભાઈનો મોબાઇલ ફોન પણ ગુમ થયો હતો.ઇજાગ્રસ્ત પિતા-પુત્રને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે મેઘરજ સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. હાલ દોલાભાઈ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે.મેઘરજ પોલીસે અરજણભાઈ ઉજમાભાઈ મારીવાડ, રમેશભાઈ શનાભાઈ મારીવાડ, ભરતભાઈ ઉદાભાઈ મારીવાડ અને સોમાભાઈ ઉજમાભાઈ મારીવાડ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.




