MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં નકલી પત્રકારો સામે માન્ય પત્રકારો આવ્યા મેદાને : કલેક્ટર અને SPને સોંપાયું આવેદનપત્ર

 

MORBI:મોરબીમાં નકલી પત્રકારો સામે માન્ય પત્રકારો આવ્યા મેદાને : કલેક્ટર અને SPને સોંપાયું આવેદનપત્ર

મોરબી શહેર અને સમગ્ર જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી પત્રકારત્વના પવિત્ર વ્યવસાયને કલંકિત કરતા બોગસ પત્રકારો અને નકલી પ્રેસકાર્ડ ધારકોનો રાફડો ફાટ્યો છે. કોઈપણ પ્રકારની શૈક્ષણિક લાયકાત, અભ્યાસ કે અનુભવ વગર માત્ર પૈસાના જોરે નકલી પ્રેસકાર્ડ મેળવીને બ્લેકમેલિંગ અને તોડપાણી કરતા તત્વો સામે મોરબી જિલ્લાના તમામ માન્ય અને સાચા પત્રકારો એકઠા થયા છે. આ મામલે પત્રકારો દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસ વડા (SP) ને એક વ્યાપક લેખિત રજૂઆત કરવામાં આવી છે, જેમાં આવા બોગસ તત્વો સામે કડક કલમો હેઠળ ગુનો નોંધી, ખાસ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવા ઉગ્ર માંગ કરાઈ છે.

સોશિયલ મીડિયાના નામે બ્લેકમેલિંગનું મોટું દૂષણ

મોરબી જિલ્લામાં પત્રકારત્વના કોઇ પણ પ્રકારના અભ્યાસ કે અનુભવ વગરના તત્વો દ્વારા પૈસા આપીને ખોટા પ્રેસકાર્ડ ખરીદવાનું દૂષણ વધ્યું છે. કોઈપણ સરકારી મંજૂરી વગર યુટ્યુબ, ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ ઉપર ન્યૂઝના નામે ચેનલો શરૂ કરી લોકોને બ્લેકમેલ કરવામાં આવી રહ્યા છે.

તાજેતરમાં જ પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન ₹10,000 માં પ્રેસકાર્ડ ખરીદીને પોલીસ પર રોફ જમાવતા એક 9 ધોરણ પાસ બોગસ પત્રકાર અને તેને કાર્ડ વેચનાર શખ્સ સામે કડક કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જે આ ગંભીર દૂષણની સાબિતી આપે છે.

આવા અસામાજિક અને લેભાગુ તત્વો પોતાના ટુ-વ્હીલર કે ફોર-વ્હીલર વાહનો પર મોટા અક્ષરે ‘PRESS’ ના બોર્ડ લગાવીને સીન સપાટા નાખે છે. આ આડમાં તેઓ નિર્દોષ લોકોને ડરાવી-ધમકાવીને તોડપાણી કરે છે. આવા તત્વોને કારણે સમાજમાં રાત-દિવસ મહેનત કરતા માન્ય અને સાચા પત્રકારોની છબી ખરડાય છે અને લોકશાહીના ચોથા સ્તંભ સમાન પત્રકારત્વનું નામ બદનામ થઈ રહ્યું છે.

સાચા પત્રકારો દ્વારા કરાયેલી મુખ્ય માંગણીઓ:

વાહનોનું સઘન ચેકિંગ: મોરબી જિલ્લામાં જે પણ ફોર વ્હીલર કે ટુ વ્હીલર વાહનો પર ‘PRESS’ લખેલું હોય તેનું સઘન ચેકિંગ કરવા માટે પોલીસ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવે.

લાયકાતની તપાસ: પ્રેસકાર્ડ લઈને ફરતા લોકોની શૈક્ષણિક લાયકાત અને તેમના આઈ-કાર્ડ અસલી છે કે નકલી તેની યોગ્ય ખરાઈ કરવામાં આવે.

કાર્ડ વેચતા નેટવર્ક પર ત્રાટકવા માંગ: ₹10,000 કે અન્ય રકમો લઈને ગેરકાયદેસર રીતે બોગસ પ્રેસકાર્ડ ઇશ્યૂ કરતી એજન્સીઓ કે વ્યક્તિઓના નેટવર્કને શોધી કાઢી ઊંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરવામાં આવે.

BNS હેઠળ ગુનો: તોડપાણી કે બ્લેકમેલિંગ કરતા બોગસ પત્રકારો સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ની આકરી કલમો હેઠળ ગુનો નોંધી સખત પગલાં લેવામાં આવે. મોરબીના પત્રકાર આલમ દ્વારા કલેક્ટર અને એસપીને રૂબરૂ મળીને આવેદનપત્ર પાઠવ્યું

Back to top button
error: Content is protected !!