MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા દેવાની સતવારા સમાજની સીધી ચીમકી.

 

MORBI:મોરબીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’: ૨૦૨૭માં નેતાઓને વિસ્તારોમાં પગ નહીં મૂકવા દેવાની સતવારા સમાજની સીધી ચીમકી.

ભારતીય જનતા પાર્ટી માટે મોરબીમાં મોટો રાજકીય ભૂકંપ સર્જાયો છે. મોરબી મહાનગરપાલિકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જેવા મહત્વના અને પ્રતિષ્ઠિત પદોની વહેંચણીમાં સતવારા સમાજના એક પણ કોર્પોરેટરને સ્થાન ન મળતા સમાજનો રોષ હવે જ્વાળામુખી બનીને ફાટ્યો છે. સત્તાનું સિંહાસન મેળવવા માટે ચૂંટણી ટાણે જે સમાજના મતો લેવા નેતાઓ કાલાવાલા કરતા હતા, તે જ સતવારા સમાજને સત્તા મળતાની સાથે જ હાંસિયામાં ધકેલી દેવાતા ભાજપની કથની અને કરણીનો ભેદ ખુલ્લો પડી ગયો હોવાનો ગણગણાટ શરૂ થયો છે.

‘યુઝ એન્ડ થ્રો’ ની નીતિ સામે ભારે આક્રોશ સ્થાનિક આગેવાનો અને સમાજમાં એવી ચર્ચા છે કે, ટિકિટોની વહેંચણીથી લઈને મતદાન સુધી સતવારા સમાજનો માત્ર ‘યુઝ એન્ડ થ્રો’ (વાપરો અને ફેંકી દો) ની નીતિથી ઉપયોગ કરવામાં આવ્યો છે. ભાજપના મોવડી મંડળે હોદ્દાઓ આપતી વખતે આખા આડા કાન કર્યા છે. સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓને સત્તાની મુખ્ય ખુરશીઓથી દૂર રાખીને ભાજપે સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તેમને માત્ર સતવારા સમાજના વોટ જ જોઈએ છે, સત્તામાં ભાગીદારી નહીં. આ ભેદભાવભરી નીતિ સામે સમાજના લોકોમાં ભારે આક્રોશ ફેલાયો છે.

કોર્પોરેટરોએ ફૂંક્યું બળવાનું રણશિંગુ, બાકીના પદોનો બહિષ્કાર : આ અપમાનનો ઘૂંટડો ચુપચાપ ગળી જવાના બદલે, સતવારા સમાજના તમામ કોર્પોરેટરોએ એક થઈને પક્ષ સામે બળવાનું રણશિંગુ ફૂંકી દીધું છે. આજે તમામ કોર્પોરેટરોએ એકત્ર થઈને સ્થાનિક ધારાસભ્ય, જિલ્લા પ્રમુખ અને ભાજપના પ્રભારીને લેખિતમાં કડક રજૂઆત કરી છે. આ રજૂઆતમાં કોર્પોરેટરોએ પક્ષના નેતાગણને સ્પષ્ટ શબ્દોમાં ચીમકી ઉચ્ચારી છે કે, “હવે પછી મહાનગરપાલિકાના કોઈ પણ બચેલા-ખુચેલા કે નાના-મોટા હોદ્દાઓ સતવારા સમાજનો કોઈ પણ કોર્પોરેટર સ્વીકારશે નહીં.” સમાજે સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પોતાના હક માટે લડશે, સત્તા માટે ભીખ નહીં માંગે.

૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ માટે ‘નો એન્ટ્રી’ ના બોર્ડ વાગશે! : મોરબીનું રાજકારણ હાલ ચરમસીમાએ ગરમાયું છે. જે સમાજે ભાજપને ખોબલે ને ખોબલે મત આપીને સત્તાના શિખરે બેસાડ્યા, એ જ સમાજ હવે તેમને જમીન પર પછાડવા તત્પર દેખાઈ રહ્યો છે. જો ભાજપ હજુ પણ ઘમંડમાં રાચીને આ મામલે યોગ્ય ‘ડૅમેજ કંટ્રોલ’ નહીં કરે, તો ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીમાં મોરબીમાં કમળ ખીલવાની વાત તો દૂર, પણ નેતાઓ માટે માત્ર કાદવ જ બચશે તે નક્કી છે.

સૌથી મોટો ઝાટકો આપતા સતવારા સમાજે સીધી ચેતવણી આપી છે કે જો આ અન્યાય ચાલુ રહેશે તો ૨૦૨૭ ની ચૂંટણીમાં ભાજપના કોઈ પણ ઉમેદવાર કે નેતાને સતવારા સમાજના વિસ્તારોમાં પગ પણ મૂકવા દેવામાં આવશે નહીં. જે નેતાઓ અત્યારે એસી ચેમ્બરોમાં બેસીને સમાજની અવગણના કરી રહ્યા છે, તેમણે આગામી ચૂંટણીમાં વિસ્તારોમાં ‘નો એન્ટ્રી’ ના બોર્ડ વાંચવા તૈયાર રહેવું પડશે. આ આંતરિક બળવાને કારણે મોરબી ભાજપ સંગઠનમાં દોડધામ મચી ગઈ છે.

Back to top button
error: Content is protected !!