MORBI:મોરબી નવા ડેલા રોડ પર IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ રૂ. ૬૦૦ની રોકડ સાથે ઝડપાયો, લાઈન આપનારની શોધખોળ શરૂ







MORBI:મોરબી નવા ડેલા રોડ પર IPL મેચ પર સટ્ટો રમતો શખ્સ રૂ. ૬૦૦ની રોકડ સાથે ઝડપાયો, લાઈન આપનારની શોધખોળ શરૂ


મોરબી શહેરમાં ક્રિકેટ સટ્ટાબાજો સામે પોલીસે લાલ આંખ કરી છે. શહેરના નવા ડેલા રોડ પર અશોક પાન નજીક ચાલુ આઈ.પી.એલ. (IPL) મેચ પર રન-ફેર અને હારજીતનો જુગાર રમી રહેલા એક ઇસમને સિટી એ ડિવિઝન પોલીસે રોકડ રકમ સાથે રંગેહાથ ઝડપી લીધો છે. જ્યારે તેને ક્રિકેટ મેચની લાઈન આપનાર સહ-આરોપીને પકડવા માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન પોલીસને ખાનગી રાહે ચોક્કસ બાતમી મળી હતી કે, જૂના બસ સ્ટેન્ડ પાસેથી પસાર થઈ નવા ડેલા રોડ પર આવેલ અશોક પાનની બાજુમાં એક ઇસમ ઊભો છે. આ ઇસમ પોતાના મોબાઈલ ફોન પર સતત વાતચીત કરી ચાલુ IPL ક્રિકેટ મેચ પર સટ્ટો રમી રહ્યો છે.
બાતમી મળતા જ પોલીસ ટીમે તાત્કાલિક ઘટનાસ્થળે રેઇડ પાડી હતી. પોલીસે ત્યાંથી ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રમાઈ રહેલી IPL મેચ પર રન-ફેર અને ટીમોની હારજીતના સોદા કરી જુગાર રમતા હિતેશ ઉર્ફે મોઢીયો ચંદ્રકાંતભાઈ ધોળકિયા (રહે. મોરબી) ને ઝડપી પાડ્યો હતો. પોલીસે તેની પાસેથી રૂ. ૬૦૦ ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, આ સટ્ટાના નેટવર્કમાં ઈસ્માઈલ કુરેશી નામનો શખ્સ તેને લાઈન આપતો હતો. પોલીસે હાલ આ સહ-આરોપીને પકડવા માટે શોધખોળ હાથ ધરી છે.પોલીસે પકડાયેલા આરોપી હિતેશ ઉર્ફે મોઢીયો અને ફરાર સહ-આરોપી ઈસ્માઈલ કુરેશી બંને વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.




