MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક

 

મોરબી સિરામિક ઉદ્યોગના વિવિધ પ્રશ્નો અંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળીએ યોજી ઉચ્ચ સ્તરીય બેઠક; મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિ

ઉદ્યોગકારોની રજૂઆતોના સંદર્ભે ગેસ વેટમાં રાહત, પાવર કટ, ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન, એક્સપોર્ટ અને જર્જરિત રસ્તાઓ અંગે વિસ્તૃત સમીક્ષા કરાઈ

કાર્બન ઉત્સર્જન સામે ઉદ્યોગો મોટા પાયે વૃક્ષારોપણ કરે; પ્રશ્નોનો માત્ર ‘નિકાલ’ નહીં પણ ‘ઉકેલ’ લાવવાનો અમારો અભિગમ: મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી

સિરામિક હબ મોરબીના સાતત્યપૂર્ણ (Sustainable) ઔદ્યોગિક વિકાસ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને પર્યાવરણીય બાબતોના સુદ્રઢ સમન્વય માટે વન અને પર્યાવરણ, ક્લાયમેટ ચેન્જ અને વાહન વ્યવહાર રાજ્યમંત્રી શ્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષસ્થાને તેમજ શ્રમ અને રોજગાર રાજ્યમંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની પ્રેરક ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી.

 

અધ્યક્ષસ્થાનેથી વન અને પર્યાવરણ રાજ્યમંત્રીશ્રી પ્રવિણભાઈ માળીએ જણાવ્યું હતું કે, “અમારો સ્પષ્ટ અભિગમ છે કે કોઈપણ અરજદારની રજૂઆત કે ફાઇલનો માત્ર કાગળ પર ‘નિકાલ’ કરવાને બદલે તેનો વાસ્તવિક ‘ઉકેલ’ આવવો જોઈએ.” તેમણે ઉદ્યોગોને સાતત્યપૂર્ણ વીજ પુરવઠો (Sustainable Power Supply) મળી રહે તે માટે PGVCL ના દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવા અને કારખાનાઓ તેમજ કામદારોને પીવાનું પાણી પૂરું પાડવા માટે ચોક્કસ એક્શન પ્લાન ઘડવા અધિકારીઓને સ્થળ પર જ સૂચના આપી હતી.

વૈશ્વિક બજારમાં મોરબીનો દબદબો જાળવી રાખવા માટે સહિયારા પ્રયાસોની હિમાયત કરતા મંત્રીશ્રીએ ઉમેર્યું કે, આજના સમયમાં ગ્રીન એનર્જી અને ટકાઉ વિકાસ (Sustainable Development) અનિવાર્ય છે. આપણા ઉદ્યોગોના કારણે જેટલું કાર્બન ઉત્સર્જન (Carbon Emission) થતું હોય, તેને સંતુલિત કરવા માટે ઉદ્યોગકારોએ તેટલા જ પ્રમાણમાં વ્યાપક વૃક્ષારોપણ કરવું જોઈએ. વૈશ્વિક સ્તરે રો-મટીરિયલ અને ટેકનોલોજીની બાબતમાં અન્ય દેશો પર નિર્ભર રહેવાના બદલે એક ચોક્કસ સમયમર્યાદા નક્કી કરી મોરબીનો આ ઉદ્યોગ ‘આત્મનિર્ભર’ બને તે દિશામાં સંશોધનો હાથ ધરે તે જરૂરી છે. સિરામિક ઉદ્યોગના તમામ વાજબી પ્રશ્નોના નિવારણ માટે સરકાર હંમેશા તત્પર છે.

 

ઉદ્યોગોની રજૂઆતોનો સકારાત્મક પ્રતિસાદ આપતા મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, મોરબીના ઉદ્યોગકારોની સુવિધા માટે ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન કાર્યરત કરવાના સઘન પ્રયાસો વહીવટી સ્તરે ચાલી રહ્યા છે. હળવદ અને માળિયા પંથકમાં મીઠા (Salt) ઉદ્યોગની સુવિધા માટે ક્લસ્ટર મુજબ વિગતવાર દરખાસ્ત તૈયાર કરી રસ્તાઓનું મજબૂત નિર્માણ થાય તેવું સુદ્રઢ આયોજન કરવા તેમણે અધિકારીઓને તાકીદ કરી હતી. વધુમાં, તેમણે પર્યાવરણીય સમતુલા માટે સિરામિક ઝોનમાં આવેલા તમામ આંતરિક રસ્તાઓની બંને બાજુએ આગામી ચોમાસા પૂર્વે જ ઉદ્યોગકારો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવે તેવો અનુરોધ કર્યો હતો.

બેઠક દરમિયાન સિરામિક એસોસિએશન દ્વારા ઔદ્યોગિક એકમોમાં ઉત્પાદન પ્રક્રિયા અને કામદારો માટે પીવાના પાણીની વ્યવસ્થા, ગેસની કિંમતો પરના વેટ (VAT) માં રાહત આપવા, પાવર કટના કારણે પ્રોડક્શનમાં થતા વિક્ષેપને રોકવા PGVCL નું અલગ ઇન્ડસ્ટ્રિયલ સબ-ડિવિઝન મંજૂર કરવા તેમજ વૈશ્વિક નિકાસ (Export) ને નડતા પ્રશ્નો અંગે રજૂઆત કરાઈ હતી. આ ઉપરાંત, સિરામિક ઝોનના રસ્તાઓ વહેલી તકે પૂર્ણ કરવા, મોરબી-હળવદ અને મોરબી-જેતપર અણીયારી રોડના બિસ્માર માળખાની મરામત કરવા તેમજ હળવદ અને માળિયા અગર વિસ્તારના અગરિયાઓ માટે પીવાના પાણીની સુવિધા સુનિશ્ચિત કરવા બાબતે મંત્રીશ્રીઓનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.

 

આ બેઠકમાં ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયા અને શ્રી પ્રકાશભાઈ વરમોરા, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) ચેરમેનશ્રી આર.બી. બારડ, મોરબી જિલ્લા કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિદ્યાસાગર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી મુકેશ પટેલ, નાયબ વન સંરક્ષક (સામાજિક વનીકરણ)શ્રી યુવરાજસિંહ ઝાલા, મોરબી નાયબ વન સંરક્ષકશ્રી તુષાર પટેલ

અને સ્થાનિક પદાધિકારીશ્રીઓ/ અધિકારીશ્રીઓ તેમજ વિવિધ ઔદ્યોગિક એસોસિએશનના પ્રમુખશ્રીઓ અને અગ્રણી ઉદ્યોગપતિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!