TANKARA:ટંકારામાં યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ: પેપર લીક અને મોંઘવારીના મુદ્દે ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને વ્યક્ત કર્યો આક્રોશ







TANKARA:ટંકારામાં યુથ કોંગ્રેસનો અનોખો વિરોધ: પેપર લીક અને મોંઘવારીના મુદ્દે ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને વ્યક્ત કર્યો આક્રોશ



રોજબરોજ વધી રહેલા પેટ્રોલ-ડીઝલના ભાવવધારા અને યુવાનોના ભવિષ્ય સાથે ચેડાં કરતા વારંવાર થતા પેપર લીક મામલે આજે ટંકારા ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર અને અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. મોરબી જિલ્લા યુથ કોંગ્રેસ તથા ટંકારા-પડધરી વિધાનસભા યુથ કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે ટંકારાની લતીપર ચોકડી ખાતે એકઠા થઈને અગ્રણીઓએ જનતા અને રાહદારીઓને ‘મેલોડી’ ચોકલેટ વહેંચીને સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવ્યો હતો.

આ વિરોધ પ્રદર્શનમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ પ્રવિણસિંહ વણોલ તથા પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રભારી નિખિલ દ્વિવેદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે મોરબી જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ગીતાબેન દુબરિયા પણ જોડાયા હતા.
લતીપર ચોકડી ખાતે એકઠા થયેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરીને કથળતી કાયદો અને વ્યવસ્થા તેમજ મોંઘવારીના મુદ્દે આક્રોશ ઠાલવ્યો હતો. યુથ કોંગ્રેસના નેતાઓએ જણાવ્યું હતું કે, “એક તરફ મોંઘવારી આસમાને આંબી રહી છે અને બીજી તરફ મહેનતુ યુવાનો પરીક્ષા આપે ત્યારે પેપર લીક થઈ જાય છે. સરકાર આ બંને મોરચે સદંતર નિષ્ફળ ગઈ છે.”

વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનોએ હસતાં-હસતાં કટાક્ષ પ્રહાર કરવા માટે પ્રખ્યાત ટેગલાઈનનો ઉપયોગ કરીને લોકોને મેલોડી ચોકલેટ વહેંચી હતી. કોંગ્રેસના કાર્યકરોએ કટાક્ષ કરતા કહ્યું કે, જેમ જાહેરાતમાં પૂછવામાં આવે છે કે ‘મેલોડી ઇતની ચોકલેટી ક્યુ હૈ?’ તેમ જનતા હવે સરકારને પૂછી રહી છે કે ‘પેટ્રોલ-ડીઝલ આટલા મોંઘા કેમ છે અને વારંવાર પેપર લીક કેમ થાય છે?’
આ કાર્યક્રમમાં મોરબી જિલ્લા કોંગ્રેસ, યુથ કોંગ્રેસ તથા ટંકારા-પડધરી વિધાનસભા વિસ્તારના મોટી સંખ્યામાં હોદ્દેદારો, મહિલા અગ્રણીઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. લતીપર ચોકડી ખાતે થયેલા આ અનોખા વિરોધ પ્રદર્શને સ્થાનિક લોકો અને રાહદારીઓમાં ભારે આકર્ષણ અને ચર્ચા જગાવી હતી.



