MORBI:મોરબી હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો







MORBI:મોરબી હાઈવે પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો


મોરબી નજીક આવેલ સુરજબારી પુલ પહેલા દેવસોલ્ટ પાસે આજે વહેલી સવારે બે ટ્રક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ગંભીર હતો કે એક ટ્રકનો ચાલક કેબિનના ભાગમાં જ બરાબરનો ફસાઈ ગયો હતો. જોકે, રાહતની વાત એ છે કે રેસ્ક્યુ ટીમની સમયસૂચકતાને કારણે ડ્રાઈવરનો જીવ બચાવી લેવામાં આવ્યો છે.
આજે વહેલી સવારે અંદાજે 06:45 વાગ્યે મોરબી ફાયર કંટ્રોલ રૂમને આ અકસ્માત અંગેનો રેસ્ક્યુ કોલ મળ્યો હતો. ઘટનાની ગંભીરતાને જોતા મોરબી ફાયર ફાઈટરની ટીમ, ટોલ પ્લાઝા રોડ પેટ્રોલિંગની ટીમ અને 108 એમ્બ્યુલન્સની સેવા તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી.

સફળ રેસ્ક્યુ: અકસ્માતગ્રસ્ત ટ્રકની કેબિનમાં જિંદગી અને મરણ વચ્ચે જોલા ખાતા ડ્રાઈવરને બહાર કાઢવા તમામ ટીમોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું. ભારે જહેમત બાદ ડ્રાઈવરને કેબિનમાંથી સુરક્ષિત અને સફળતાપૂર્વક બહાર કાઢી લેવાયો હતો. ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર અર્થે નજીકના સુરજબારી PHC (પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર) ખાતે ખસેડવામાં આવ્યો હતો.
આ અકસ્માતમાં સદનસીબે અન્ય કોઈ જાનહાનિ થવા પામી નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પરંતુ, વ્યસ્ત એવા આ હાઈવે પર અકસ્માતને કારણે બંને ટ્રકો માર્ગ વચ્ચે જ અટવાઈ પડી હતી. પરિણામે હાઈવેનો વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો અને જોતજોતામાં અંદાજે 7 થી 8 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. વહેલી સવારથી જ વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા અને ટ્રાફિક હળવો કરવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે.



