GANDHINAGAR:ગાંધીનગર કાંતિલાલ અમૃતિયાની ઓફિસમાં દારૂના કેસનો ફરાર આરોપી દેખાતા ખળભળાટ







GANDHINAGAR:ગાંધીનગર કાંતિલાલ અમૃતિયાની ઓફિસમાં દારૂના કેસનો ફરાર આરોપી દેખાતા ખળભળાટ


ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોરબી અને ગાંધીનગરના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. હળવદ તાલુકાના દારૂના એક કેસમાં છેલ્લા દસ દિવસથી પોલીસને હાથતાળી આપી રહેલો ફરાર આરોપી ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાની ગાંધીનગર સ્થિત ઓફિસમાં જોવા મળતા સ્થાનિક રાજકારણ અને પોલીસ તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે.

આ સમગ્ર મામલામાં સૌથી આશ્ચર્યજનક અને ચોંકાવનારી વાત એ છે કે, આ વિડીયો અન્ય કોઈએ નહીં પરંતુ ખુદ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાએ પોતાના જ સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. ધારાસભ્ય દ્વારા જ આ વિડીયો પોસ્ટ કરાતા રાજકીય આલમમાં અનેક ચર્ચાઓ જાગી છે.
મળતી માહિતી મુજબ, વિડીયોમાં દેખાતો વ્યક્તિ હળવદ તાલુકાની અજીતગઢ બેઠક પરથી તાલુકા પંચાયતના ભાજપના ઉમેદવાર અને અજીતગઢ ગ્રામ પંચાયતના સરપંચના પતિ રજની પટેલ હોવાનું સામે આવ્યું છે.
આશરે દસ દિવસ પહેલાં હળવદ પોલીસે રજની પટેલની વાડીમાં દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન વાડીમાંથી આશરે ૬૦૦ લીટર દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો હતો. આ ગુનામાં પોલીસ રજની પટેલની શોધખોળ કરી રહી હતી અને તેઓ છેલ્લા દસ દિવસથી કાયદાની નજરમાં ફરાર જાહેર હતા.
બિન્દાસ રીતે ફરતો આરોપી પોલીસને કેમ નથી મળતો? પોલીસની કામગીરી સામે સવાલો
એક તરફ સ્થાનિક પોલીસ જે આરોપીને શોધવામાં નાકામ રહી છે અને જેને ચોપડે તે ‘ફરાર’ છે, તે જ આરોપી રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે ધારાસભ્યની ઓફિસમાં આટલી બિન્દાસ રીતે ફરતો દેખાય છે. આ ઘટના બાદ હવે સામાન્ય જનતા પોલીસની કામગીરી અને તેની દાનત સામે ગંભીર સવાલો ઉઠાવી રહી છે. લોકો પૂછી રહ્યા છે કે જે આરોપી સોશિયલ મીડિયા પર અને નેતાઓની ઓફિસમાં ખુલ્લેઆમ મળી આવે છે, તે પોલીસને કેમ હાથ નથી લાગતો? શું રાજકીય પીઠબળ ધરાવતા આરોપીઓને પકડવામાં પોલીસ જાણીજોઈને ઢીલી નીતિ અપનાવી રહી છે?
આ વાયરલ વિડીયો અને ધારાસભ્યની પોસ્ટ બાદ હવે પોલીસ તંત્ર દબાણમાં આવ્યું છે. આગામી દિવસોમાં પોલીસ આ મામલે શું એક્શન લે છે તેના પર સૌની નજર રહેશે.



