વાંસદા તાલુકા પંચાયતમાં ACBનો સકંજો : અધિક મદદનીશ ઈજનેર રૂ.16 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા
વાત્સલયમ સમાચાર
વાંસદા

નવસારી જિલ્લાના વાંસદા તાલુકા પંચાયત ખાતે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી તાલુકા પંચાયતના અધિક મદદનીશ ઈજનેર ફૂણાલ પટેલને રૂ.16,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ, વર્ષ 2025 દરમિયાન “ટ્રાયબલ સબ પ્લાન યોજના” અંતર્ગત બનાવવામાં આવેલા ક્રિકેટ ગ્રાઉન્ડના બિલ મંજૂર કરવા બદલ ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી. ક્રિકેટ ગ્રાઉન્ડના રૂ.4,61,694ના બિલના પાંચ ટકા મુજબ અંદાજે રૂ.23 હજારની લાંચ માંગવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
ફરિયાદીએ લાંચ આપવા ઇચ્છા ન દર્શાવતા સમગ્ર મામલે વલસાડ ACBનો સંપર્ક કર્યો હતો. ACB દ્વારા ફરિયાદની ચકાસણી કર્યા બાદ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. ટ્રેપ દરમિયાન અધિક મદદનીશ ઈજનેર ફૂણાલ પટેલ રૂ.16 હજારની લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
આ કાર્યવાહી વલસાડ ACBની ટીમ દ્વારા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ ગુનો નોંધવાની તેમજ વધુ તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ ઘટનાએ વાંસદા તાલુકા પંચાયતના વહીવટી તંત્રમાં ખળભળાટ મચાવ્યો છે. ACBની આ કાર્યવાહી બાદ સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર સામે કડક સંદેશો ગયો હોવાનું માનવામાં આવે છે.


