નવસારી મ્યુનિસિપલનો મહત્ત્વપૂર્ણ નિર્ણય પશુપાલકો માટે કેટલ લાયસન્સ ફરજિયાત, 31 જુલાઈ સુધી નોંધણી અનિવાર્ય
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી શહેરમાં પશુપાલન વ્યવસ્થાને વધુ સુવ્યવસ્થિત બનાવવા તેમજ જાહેર સ્વચ્છતા, આરોગ્ય અને સુરક્ષાના હિતમાં નવસારી મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના તમામ પશુપાલકો માટે હવે ‘કેટલ લાયસન્સ’ (Cattle License) મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે. આ માટે મહાનગરપાલિકાના CNCD (Cattle Nuisance Control Department) વિભાગ દ્વારા આગામી 31 જુલાઈ, 2026 સુધી વિશેષ નોંધણી અભિયાન હાથ ધરવામાં આવ્યું છે.
મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર પશુઓની યોગ્ય નોંધણી અને પશુપાલનની માહિતીનું સંકલન થવાથી પશુઓના આરોગ્ય, સંભાળ અને નિયંત્રણ સંબંધિત કામગીરી વધુ અસરકારક બની શકશે. સાથે જ પશુઓના રસીકરણ, આરોગ્ય સેવાઓ અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ પણ પશુપાલકોને સરળતાથી મળી શકશે.
નોંધણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે CNCD વિભાગ દ્વારા વોર્ડ સ્તરે પશુપાલકો સુધી અરજી ફોર્મ પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. પશુપાલકોએ ફોર્મમાં માંગવામાં આવેલી તમામ વિગતો ચોકસાઈપૂર્વક ભરી જરૂરી દસ્તાવેજો સાથે નિર્ધારિત સમયમર્યાદામાં જમા કરાવવાના રહેશે. ચકાસણી પૂર્ણ થયા બાદ નિયમો અનુસાર લાયસન્સ આપવામાં આવશે.
મહાનગરપાલિકાએ તમામ પશુપાલકોને આ અભિયાનમાં સહકાર આપવા અને સમયસર લાયસન્સ મેળવી પોતાની પશુપાલન પ્રવૃત્તિને નિયમિત બનાવવા અપીલ કરી છે. લાયસન્સ વિના પશુપાલન કરતા વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી શકે છે.
મહાનગરપાલિકાના અધિકારીઓના જણાવ્યા મુજબ આ અભિયાનથી શહેરમાં પશુ સંચાલન વધુ સુવ્યવસ્થિત બનશે, રખડતા પશુઓની સમસ્યા પર નિયંત્રણ આવશે અને નાગરિકોને વધુ સ્વચ્છ તથા સુરક્ષિત વાતાવરણ ઉપલબ્ધ થશે. વધુ માહિતી માટે પશુપાલકોને CNCD વિભાગનો સંપર્ક કરવા જણાવાયું છે.


