સ્વચ્છ સાબરમતી મહાઅભિયાનનો પ્રારંભ: સાબરમતી રિવરફ્રન્ટ પર શ્રમદાનથી સ્વચ્છતાનો સંદેશ

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ભવ્ય રીતે ‘સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે શ્રમદાન કરીને આ મહાઅભિયાનની શરૂઆત કરાવી હતી. તેમની સાથે રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતા અભિયાનમાં સક્રિય સહભાગી બન્યા હતા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ વિશેષ અભિયાન 5 જૂન સુધી ચાલનાર છે. અભિયાનનો મુખ્ય હેતુ સાબરમતી નદીના કિનારાને વધુ સ્વચ્છ, સુંદર અને પર્યાવરણમૈત્રી બનાવવાનો છે, તેમજ નાગરિકોમાં સ્વચ્છતા અંગે જાગૃતિ લાવવાનો છે.
અભિયાનના પ્રથમ દિવસે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, શહેરના ધારાસભ્યો, મ્યુનિસિપલ કમિશનર, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન, કોર્પોરેટરો અને વિવિધ સરકારી અધિકારીઓ સહિત અનેક મહાનુભાવોએ શ્રમદાન કર્યું હતું. પ્રથમ જ દિવસે અંદાજે 68 ટન જેટલો કચરો એકત્રિત કરીને તેનું યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સ્વચ્છતા માત્ર સરકારી અભિયાન નથી, પરંતુ તે દરેક નાગરિકની સામાજિક જવાબદારી છે. તેમણે કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારતના સંકલ્પને સાકાર કરવા માટે લોકોનો સહયોગ અત્યંત જરૂરી છે. સરકાર સ્વચ્છતા માટે માળખાકીય સુવિધાઓ ઊભી કરી શકે છે, પરંતુ સ્વચ્છતા જાળવવાનો સ્વભાવ દરેક નાગરિકે પોતાના જીવનમાં વિકસાવવો જરૂરી છે.
તેમણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રયાસોની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે આવા અભિયાનો શહેરના લોકોમાં જાગૃતિ ફેલાવવાનું મહત્વપૂર્ણ કાર્ય કરે છે. આગામી સમયમાં ગ્રામ્ય વિસ્તારોથી લઈને મહાનગરો સુધી સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણને કેન્દ્રમાં રાખીને આવા કાર્યક્રમો વધુ વ્યાપક સ્તરે યોજવામાં આવશે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છતા અને આરોગ્ય એકબીજા સાથે સીધા જોડાયેલા છે. સ્વચ્છ વાતાવરણ રોગચાળો ઘટાડવામાં મદદરૂપ બને છે અને લોકોના જીવનની ગુણવત્તામાં વધારો કરે છે. તેમણે વૃક્ષારોપણ, જળ સંરક્ષણ અને કચરા વ્યવસ્થાપન જેવી પ્રવૃત્તિઓને પણ પર્યાવરણ સુરક્ષા માટે મહત્વપૂર્ણ ગણાવી હતી.
કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત તમામ મહાનુભાવોએ સ્વચ્છતા જાળવવા અને અન્ય લોકોને પણ પ્રેરિત કરવા માટે પ્રતિજ્ઞા લીધી હતી. અભિયાનમાં શહેરના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ, વિવિધ સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ, એનજીઓ, કોર્પોરેટ કંપનીઓના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, યુવાનો, સફાઈ કર્મચારીઓ, પોલીસ જવાનો તથા NCCના કેડેટ્સ સહિત મોટી સંખ્યામાં નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
સ્વચ્છ સાબરમતી મહાઅભિયાન માત્ર સફાઈ પૂરતું મર્યાદિત નથી, પરંતુ નદી અને તેની આસપાસના પર્યાવરણના સંરક્ષણ માટે પણ મહત્વપૂર્ણ પહેલ માનવામાં આવી રહી છે. અભિયાન દરમિયાન કચરા વ્યવસ્થાપન, પ્લાસ્ટિક મુક્તિ, જળ સંરક્ષણ અને સ્વચ્છતા અંગે વિવિધ જાગૃતિ કાર્યક્રમો પણ યોજવામાં આવશે. શહેરના નાગરિકોને આ અભિયાન સાથે જોડાવા અને સ્વચ્છતા માટે સતત યોગદાન આપવા અપીલ કરવામાં આવી છે.
આ પ્રસંગે મેયર હિતેશભાઈ બારોટ, ડેપ્યુટી મેયર અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનના ચેરમેન આઈ.પી. ગૌતમ, શહેરના ધારાસભ્યો, કોર્પોરેટરો, વિવિધ વિભાગોના અધિકારીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને જનભાગીદારીના ત્રિવેણી સંગમ સમાન આ અભિયાન અમદાવાદને વધુ સ્વચ્છ, હરિયાળું અને સુંદર શહેર બનાવવાના સંકલ્પને નવી દિશા આપશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.




