MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં ચોમાસું નજીક છતાં તંત્ર ઘોર નિદ્રામાં: ૨ વર્ષથી મચ્છુ નદીની ગાંડી વેલ સાફ ન થતાં પૂરનું સંકટ, સામાજિક કાર્યકરોની ઉગ્ર રજૂઆત

 

MORBI:મોરબીમાં ચોમાસું નજીક છતાં તંત્ર ઘોર નિદ્રામાં: ૨ વર્ષથી મચ્છુ નદીની ગાંડી વેલ સાફ ન થતાં પૂરનું સંકટ, સામાજિક કાર્યકરોની ઉગ્ર રજૂઆત

ચોમાસાની ઋતુ હવે ગણતરીના દિવસોમાં જ શરૂ થવા જઈ રહી છે, ત્યારે મોરબી મહાનગરપાલિકાની ઘોર બેદરકારી ફરી એકવાર સામે આવી છે. છેલ્લા ૨ વર્ષ થવા આવ્યા હોવા છતાં મચ્છુ નદીમાં જામી ગયેલી ગાંડી વેલની સાફ-સફાઈ કરવામાં આવી નથી. પર્યાવરણ જતન અંતર્ગત નદી, નાળા અને વોંકળાઓ સાફ કરવા બાબતે અગાઉ પણ અનેક વખત લેખિત રજૂઆતો અને મીડિયાના માધ્યમથી તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં, તંત્રના પેટનું પાણી હલ્યું નથી.

રાજાશાહી વખતના મોરબી શહેરને જિલ્લા તરીકેનું પદ મળ્યાને એક દસકો વીતી ગયો છે, પરંતુ આજે પણ અહીં જિલ્લા કક્ષાની પાયાની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. ચોમાસામાં વધુ પડતો વરસાદ અથવા ઉપરવાસમાં ભારે વરસાદના કારણે જો મચ્છુ નદીમાં પાણી છોડવામાં આવે, તો નદીમાં પથરાયેલી ગાંડી વેલ અને કીચડ-કાદવ પાણીના કુદરતી પ્રવાહને અવરોધે તેમ છે. જેના કારણે શહેરમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે અને રહેણાંક વિસ્તારો તેમજ શેરી-ગલીઓમાં પાણી ભરાવવાનું મોટું જોખમ ઊભું થયું છે.

સામાજિક કાર્યકરોએ આક્રોશ સાથે જણાવ્યું છે કે, નદીની સફાઈ ન થવાના કારણે સ્થાનિક સ્તરે ભારે ગંદકી સામ્રાજ્ય ફેલાયું છે. નદીમાં મરેલા પશુ-પક્ષીઓ, કૂતરા અને ભૂંડ ફેંકવામાં આવતા હોવાથી પાણીમાંથી અસહ્ય દુર્ગંધ મારી રહી છે. આ દૂષિત પાણી અને ગંદકીના કારણે ચોમાસા પહેલા જ મોરબીમાં મોટો રોગચાળો ફાટી નીકળે તેવી ભયજનક સ્થિતિ સર્જાઈ છે.

મોરબીના અગ્રણી સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડીયા દેવેશ મેરૂભાઈ તથા ગિરીશભાઈ છબીલભાઈ કોટેચા સહિતના આગેવાનોએ આમ જનતા વતી મહાનગરપાલિકાને આડે હાથ લીધી છે. તેમણે સવાલ ઉઠાવ્યો છે કે, ટૂંક સમયમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે મોરબીના ઉત્સાહી મેયરશ્રી, ડેપ્યુટી મેયરશ્રી અને કમિશનરશ્રી નદી-નાળા સાફ કરાવીને મોરબીનો સાચો વિકાસ કરશે કે પછી આ વર્ષે પણ જનતાને શેરી-ગલીઓમાં ભરાતા પાણીની યાતના ભોગવવી પડશે?

“પ્રજાલક્ષી પ્રશ્નોનો ઉકેલ લાવવો અને પર્યાવરણનું જતન કરવું એ સત્તાધીશોની કાયદેસરની ફરજનો એક ભાગ છે. અગાઉ પણ અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, છતાં તંત્ર કેમ આંખ આડા કાન કરી રહ્યું છે? જો ચોમાસું બેસે તે પહેલા તાત્કાલિક ધોરણે આ ગાંડી વેલ અને ગારા-કીચડ સાફ કરવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં મોરબીની જનતાને ભોગવવી પડનારી હાલાકીની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે.”

હવે જોવાનું એ રહે છે કે જનતા અને સામાજિક કાર્યકરોની આ નમ્ર અને ઉગ્ર અરજીને ધ્યાનમાં લઈને મહાનગરપાલિકાનું તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરે છે કે પછી હંમેશાની જેમ માત્ર કાગળ પર જ વિકાસના દાવા ઠોકે છે.

Back to top button
error: Content is protected !!