MORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી મનપા પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે એક્શન મોડમાં ખરી, પણ સવાલ એ જ: ‘નિરીક્ષણ તો કર્યું, પણ કામગીરી ક્યારે થશે?’

 

MORBI:મોરબી મનપા પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે એક્શન મોડમાં ખરી, પણ સવાલ એ જ: ‘નિરીક્ષણ તો કર્યું, પણ કામગીરી ક્યારે થશે?’

ચોમાસું માથે હોવા છતાં કામગીરી અધ્ધરતાલ: માત્ર નેતાઓના આંટાફેરા કે પછી ગ્રાઉન્ડ પર દેખાશે મોટું કામ?

મેયર અને કમિશનર સહિતનો કાફલો ગ્રાઉન્ડ ઝીરો પર ઉતર્યો, બેદરકારી બદલ કડક પગલાં લેવાની આપી ચેતવણી

ચોમાસાની ઋતુને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે મોરબીના નાગરિકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ પાણી ભરાવાની હાલાકી ન ભોગવવી પડે તે માટે મોરબી મહાનગરપાલિકાનું તંત્ર સજ્જ બન્યું હોવાનો દાવો કરી રહ્યું છે. આજે મોરબી મહાનગરપાલિકાના પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો પ્રિ-મોન્સૂન કામગીરી મુદ્દે સીધો ગ્રાઉન્ડ ઝીરો પર ઉતરીને એક્શન મોડમાં જોવા મળ્યો હતો. જોકે, સ્થાનિક લોકોમાં એ જ ચર્ચા ચાલી રહી છે કે, “અધિકારીઓ નિરીક્ષણ તો કરી ગયા, પણ અસલી કામગીરી ક્યારે શરૂ થશે અને ક્યારે પૂરી થશે?”

 

મોરબી મહાનગરપાલિકાના યુવા મેયર શ્રી ઉત્તમભાઈ સુરાણી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ રાણપરા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયંતીભાઈ પંડસુંબીયા, દંડક શ્રી જયેશભાઈ દેસાઈ, શાસક પક્ષના નેતા બહેન શ્રી અર્પિતાબા જાડેજા તેમજ સ્થાનિક કોર્પોરેટરોએ આજે સંયુક્ત રીતે શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. આ નિરીક્ષણ દરમિયાન મોરબી મ્યુનિસિપલ કમિશનર શ્રી સંગીતાબેન રૈયાણી સહિત મહાનગરપાલિકાના તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ પણ સાથે રહ્યા હતા.

પદાધિકારીઓ દ્વારા વિવિધ સ્થળોએ ચાલી રહેલી પ્રિ-મોન્સૂન કામગીરીનું બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું અને ચોમાસું બેસે તે પૂર્વે જ તમામ નદી-નાળાની સફાઈ તેમજ પાણીના નિકાલની વ્યવસ્થા વહેલી તકે પૂર્ણ કરવા અધિકારીઓને કડક અને સ્પષ્ટ સૂચનાઓ આપવામાં આવી હતી.

“મોરબીના નાગરિકોની સુવિધા અને સુરક્ષા એ અમારી પ્રાથમિકતા છે. ચોમાસામાં શહેરમાં ક્યાંય પણ પાણી ભરાવાની કે અન્ય મુશ્કેલી ન સર્જાય તે માટે વહીવટી તંત્ર અને પદાધિકારીઓ સંકલન સાધીને કામ કરી રહ્યા છે. કામગીરીમાં કોઈ પણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં નહીં આવે.”— શ્રી ઉત્તમભાઈ સુરાણી (યુવા મેયર, મોરબી)

મોરબીવાસીઓ ભૂતકાળના અનુભવોને યાદ કરીને ચિંતિત છે. દર વર્ષે પ્રિ-મોન્સૂનના નામે માત્ર નિરીક્ષણ અને બેઠકો જ થાય છે, પરંતુ સામાન્ય વરસાદમાં પણ મોરબીના રસ્તાઓ બેટમાં ફેરવાઈ જાય છે. આ વખતે નેતાઓ અને કમિશનર જાતે ગ્રાઉન્ડ પર ઉતર્યા છે ત્યારે લોકો આશા રાખી રહ્યા છે કે આ માત્ર ‘ફોટો સેશન’ બનીને ન રહી જાય અને આગામી દિવસોમાં યુદ્ધના ધોરણે પ્રિ-મોન્સૂન કામગીરી ખરેખર વેગવંતી બનશે શું તે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું..

Back to top button
error: Content is protected !!