બાયડ – ફિલ્મી ચેઝ બાદ SMC નો મોટો ઘા : ફોરચ્યુનરમાંથી 4,568 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.32.51 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
બાયડ – ફિલ્મી ચેઝ બાદ SMC નો મોટો ઘા : ફોરચ્યુનરમાંથી 4,568 બોટલ વિદેશી દારૂ સાથે રૂ.32.51 લાખનો મુદ્દામાલ ઝડપાયો

અરવલ્લી જિલ્લામાં રાજ્ય મોનિટરિંગ સેલ (SMC) દ્વારા હાથ ધરાયેલી ધમાકેદાર કાર્યવાહીમાં વિદેશી દારૂની મોટી હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસને મળેલી ચોક્કસ બાતમીના આધારે ફોરચ્યુનર કારનો કલાકો સુધી પીછો કર્યા બાદ રૂ.32.51 લાખના મુદ્દામાલ સાથે વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે, જ્યારે કારનો ચાલક અને ક્લીનર અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયા હતા.
મળેલી માહિતી મુજબ ગ્રે કલરની ફોરચ્યુનર કાર નં. GJ-18-BG-4066માં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરેલો હતો અને તેની આગળ સફેદ કલરની ક્રેટા કાર નં. GJ-01-ZB-3218 પાયલોટિંગ કરી રહી હતી. રાજ્ય મોનિટરિંગ સેલની ટીમને આ અંગે બાતમી મળતા દહેગામ કેનાલ પુલ નજીક વોચ ગોઠવવામાં આવી હતી.
પોલીસે બંને વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ચાલકોએ વાહનો પુરઝડપે દોડાવી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો. દહેગામથી નરોડા-હંસપુરા થઈ બાયડ તરફ અનેક કિલોમીટર સુધી પોલીસ અને દારૂ ભરેલી કાર વચ્ચે ફિલ્મી ચેઝ સર્જાઈ હતી. ફોરચ્યુનર કારનો ચાલક અત્યંત ગફલતભરી રીતે વાહન ચલાવી અન્ય વાહનચાલકોના જીવને જોખમમાં મૂકી રહ્યો હતો.
છાપરિયા ગામના પુલ નજીક પોલીસ દ્વારા કાર રોકાવવા માટે કડક પ્રયાસો કરવામાં આવ્યા હતા. કારના કાચ ફોડવામાં આવ્યા છતાં ચાલકે વાહન રોક્યું ન હતું. અંતે ટાયર ફાટી જતાં કાર ઉભી રહી ગઈ હતી. જોકે પોલીસ પહોંચે તે પહેલાં જ કારમાં બેઠેલા બે શખ્સો ખેતરો અને બાવળના કાંટાવાળા વિસ્તારમાંથી ભાગી છૂટ્યા હતા.પોલીસે ફોરચ્યુનર કારની તપાસ કરતા અંદર ખાખી રંગના બોક્સોમાં ભરેલો વિદેશી દારૂ અને બિયરનો જથ્થો મળી આવ્યો હતો. ગણતરી દરમિયાન જુદી-જુદી બ્રાન્ડની કુલ 4,568 બોટલ અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ.12,51,965 આંકવામાં આવી છે.દારૂ ભરેલી ફોરચ્યુનર કારની કિંમત રૂ.20 લાખ ગણતા કુલ રૂ.32,51,965નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યવાહી બાદ મુદ્દામાલ બાયડ પોલીસ સ્ટેશન ખાતે લઈ જઈ પંચનામું અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.આ મામલે ફોરચ્યુનર કારના અજાણ્યા ચાલક અને ક્લીનર, પાયલોટિંગ કરતી ક્રેટા કારના ચાલક અને માલિક, દારૂ સપ્લાય કરનાર તથા મંગાવનાર સહિત તમામ સંડોવાયેલા શખ્સો સામે ગુજરાત નશાબંધી અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.રાજ્ય મોનિટરિંગ સેલની આ કાર્યવાહીથી અરવલ્લી જિલ્લામાં દારૂની હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ હવે ફરાર આરોપીઓની ઓળખ મેળવી સમગ્ર દારૂ નેટવર્ક સુધી પહોંચવા માટે તપાસના ચક્રો ગતિમાન કરી રહી છે.


