AHMEDABADAHMEDABAD CENTER ZONEAHMEDABAD EAST ZONEAHMEDABAD NEW WEST ZONEAHMEDABAD NORTH ZONEAHMEDABAD SOUTH ZONEAHMEDABAD WEST ZONE

સેવામાં માનવતા અને વાણીમાં મીઠાસનો સંદેશ: સિવિલ હોસ્પિટલના નર્સિંગ પરિવારની આત્મબોધ ચિંતન શિબિર યોજાઈ

રિપોર્ટર

હિતેન્દ્ર ગોસાઈ

અમદાવાદ

દર્દીઓની કરુણાપૂર્ણ સેવા, માનવીય સંવેદનાઓ અને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલના નર્સિંગ પરિવારે અસ્મિતા ભવન ખાતે વિશેષ “આત્મબોધ ચિંતન શિબિર”નું આયોજન કર્યું હતું. “સેવામાં માનવતા” અને “વાણીમાં મીઠાસ”ના બોધ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં નર્સિંગ વ્યવસાયમાં સંવેદનશીલતા, સહાનુભૂતિ અને દર્દીકેન્દ્રિત અભિગમના મહત્વ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.

 

કાર્યક્રમમાં આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા મુખ્ય મહેમાન તરીકે તથા શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત મેડિસિટી સાથે સંકળાયેલા વિવિધ આરોગ્ય સંસ્થાઓના વડાઓ, તબીબો, નર્સિંગ અધિકારીઓ અને મોટી સંખ્યામાં નર્સિંગ સ્ટાફે ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.

 

આ પ્રસંગે સંબોધન કરતા આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે હોસ્પિટલોમાં આધુનિક સાધનો અને ભવ્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેટલા જરૂરી છે, એટલી જ જરૂરી માનવીય સંવેદનાઓ પણ છે. તેમણે કહ્યું કે દર્દી જ્યારે હોસ્પિટલમાં આવે છે ત્યારે તેને માત્ર દવા જ નહીં, પરંતુ હૂંફ, વિશ્વાસ અને સકારાત્મક વર્તનની પણ જરૂર હોય છે. નર્સિંગ સ્ટાફ દર્દીઓ સાથે સૌથી વધુ સમય વિતાવતો હોવાથી તેમની ભૂમિકા આરોગ્યસેવામાં અત્યંત મહત્વપૂર્ણ છે.

 

તેમણે વધુમાં જણાવ્યું હતું કે આજના આધુનિક યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને નવી ટેકનોલોજીઓ માનવજીવનને અનેક સુવિધાઓ આપી શકે છે, પરંતુ હૃદયને મળતી સાચી શાંતિ અને સંતોષ માત્ર નિઃસ્વાર્થ સેવા દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. તેમણે નર્સિંગ સ્ટાફને પોતાની વાણીમાં મીઠાસ અને વર્તનમાં સહાનુભૂતિ જાળવવાની અપીલ કરી હતી. “ટંગ મેનેજમેન્ટ”ના મહત્વને સમજાવતા તેમણે જણાવ્યું કે સંયમિત અને સકારાત્મક વાણી વ્યક્તિના વ્યક્તિત્વને વધુ પ્રભાવશાળી બનાવે છે અને દર્દીઓ પર પણ તેની સકારાત્મક અસર પડે છે.

 

શહેરી વિકાસ રાજ્યમંત્રી દર્શનાબેન વાઘેલાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે આત્મબોધ જીવનભર ચાલતી ચિંતન અને આત્મમંથનની પ્રક્રિયા છે. નર્સિંગ વ્યવસાય માત્ર નોકરી નથી, પરંતુ માનવસેવાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે કહ્યું કે હોસ્પિટલોમાં નર્સિંગ સ્ટાફ સતત દર્દીઓની પીડા અને મુશ્કેલીઓ સાથે સંકળાયેલો રહે છે, ત્યારે તેમના હસતા ચહેરા અને પ્રેમાળ વર્તનથી દર્દીઓમાં નવી આશા અને આત્મવિશ્વાસનો સંચાર થાય છે.

 

તેમણે કોરોના મહામારી સહિત વિવિધ આપત્તિઓ દરમિયાન નર્સિંગ સ્ટાફે આપેલી નિષ્ઠાવાન અને સમર્પિત સેવાઓને યાદ કરતાં જણાવ્યું હતું કે આરોગ્ય ક્ષેત્રના આ યોદ્ધાઓએ પોતાના પરિવારથી દૂર રહી સમાજની સેવા કરીને માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

 

અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રણેતા દિલીપભાઈ દેશમુખ (દાદા)એ પણ ઉપસ્થિત રહી નિઃસ્વાર્થ સેવા, પરોપકાર અને માનવ કલ્યાણના કાર્યો માટે સૌને પ્રેરિત કર્યા હતા. તેમણે જણાવ્યું કે જીવનનું સાચું મૂલ્ય અન્ય લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવામાં રહેલું છે.

 

અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે ડૉક્ટરો હોસ્પિટલનું મગજ હોય શકે, પરંતુ નર્સિંગ સ્ટાફ હોસ્પિટલનું ધબકતું હૃદય છે. દર્દીઓની નજીક રહી તેમની જરૂરિયાતો, લાગણીઓ અને તકલીફોને સમજવાની સૌથી મોટી જવાબદારી નર્સિંગ સ્ટાફ નિભાવે છે. તેમણે ઉમેર્યું કે હોસ્પિટલમાં આવતો દરેક દર્દી માત્ર સારવાર મેળવીને જ નહીં, પરંતુ સ્નેહ, વિશ્વાસ અને સંતોષની લાગણી સાથે પરત ફરે તે માટે સતત પ્રયાસ થવા જોઈએ.

 

કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે “આત્મબોધ” પુસ્તિકાનું વિમોચન કરવામાં આવ્યું હતું. આ પુસ્તિકા દ્વારા નર્સિંગ સ્ટાફને સેવા, સંવેદના, સકારાત્મક વિચારસરણી અને વ્યક્તિત્વ વિકાસ માટે માર્ગદર્શન પૂરું પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

 

શિબિરમાં ગવર્મેન્ટ સ્પાઇન ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. પીયૂષ મિત્તલ, સરકારી મેડિકલ કોલેજના ડીન ડૉ. રૂપલ શાહ, એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. સ્વાતી, જીનેરા કોલેજના પ્રિન્સિપાલ ડૉ. હીરલ શાહ, યુ. એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર ડૉ. ચિરાગ દોશી, આઈ.કે.ડી.આર.સી.ના ડાયરેક્ટર ડૉ. પ્રાંજલ મોદી, જી.સી.આર.આઈ.ના ડાયરેક્ટર ડૉ. શશાંક પંડ્યા, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના વાઇસ પ્રેસિડેન્ટ આઈ. કે. કડીવાલા, રજિસ્ટ્રાર ડૉ. પ્રજ્ઞા ડાભી સહિત મેડિસિટીના વિવિધ વિભાગોના નર્સિંગ સુપરિન્ટેન્ડન્ટ્સ અને મોટી સંખ્યામાં નર્સિંગ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

આ સમગ્ર કાર્યક્રમે નર્સિંગ વ્યવસાયના માનવીય પાસાને વધુ ઉજાગર કર્યો હતો અને દર્દીકેન્દ્રિત આરોગ્યસેવાને વધુ અસરકારક બનાવવા માટે સેવા, સંવેદના અને સમર્પણના મૂલ્યોને આત્મસાત કરવાની પ્રેરણા પૂરી પાડી હતી. આરોગ્ય ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ કર્મચારીઓ માટે આ આત્મબોધ ચિંતન શિબિર માર્ગદર્શક અને પ્રેરણાદાયી સાબિત થઈ હતી.

Back to top button
error: Content is protected !!