

ફૈઝ ખત્રી…શિનોર
થોડા દિવસો અગાઉ વડોદરા જિલ્લાના શિનોર ગામે નર્મદા નદીના કિનારે આવેલ પ્રાચીન ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં કોઈ અજાણ્યા અસામાજિક તત્વ દ્વારા મંદિર પરિસરમાં સ્થાપિત નંદીની પ્રતિમા ઉખાડી નાખવામાં આવી હતી. ઉપરાંત મંદિરના પ્રવેશદ્વાર નજીક સ્થાપિત કાચબાની પ્રતિમાનું મોઢું પણ તોડી નાખવામાં આવ્યું હતું.
આ ઘટનાને પગલે સમગ્ર શિનોર પંથકમાં તેમજ હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી. ત્યારબાદ શિનોરના સમસ્ત હિન્દુ સમાજ, બજરંગ દળ, વિશ્વ હિન્દુ પરિષદ તથા દુર્ગાવાહિનીના આગેવાનો અને કાર્યકરોએ શિનોર મામલતદારને આવેદનપત્ર આપી આરોપીઓને તાત્કાલિક ઝડપી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી શિનોર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.આર. વસાવાના માર્ગદર્શન હેઠળ પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ, ટેક્નિકલ સર્વેલન્સ અને વિવિધ સ્થળોના CCTV ફૂટેજના આધારે પોલીસની અલગ-અલગ ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી.
તપાસ દરમિયાન અજયકુમાર નટવરસિંહ સોઢા (ઉંમર 27 વર્ષ), રહે. શિનોર, જિલ્લા વડોદરા તથા મૂળ વતન ઝાલભાઈની મુવાડી, તાલુકો મહેમદાવાદ, જિલ્લા ખેડા, હોવાનું સામે આવતા પોલીસે તેની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ સફળ કામગીરીમાં પીઆઈ આર.આર. વસાવા, પીએસઆઈ એચ.બી. મકવાણા, એએસઆઈ પ્રકાશભાઈ, હેડ કોન્સ્ટેબલ ગિરીશભાઈ તેમજ પોલીસ કોન્સ્ટેબલ નરેશભાઈ અને કાદરભાઈએ મહત્વની ભૂમિકા ભજવી હતી.


