કાલોલ પોલીસની કાર્યવાહી:ખંડોલીના મકાનમાં દરોડા,વિદેશી દારૂનો જથ્થો કબજે,મહિલા બુટલેગર વોન્ટેડ.

તારીખ ૦૫/૦૬/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના ખંડોલી ગામમાં કાલોલ પોલીસ દ્વારા પ્રોહિબિશન રેઇડ પાડીને એક રહેણાક મકાનમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે, પોલીસ દરોડા દરમિયાન આરોપી મહિલા ઘરે હાજર ન મળી આવતા તેને પકડવા ચક્રો ગતિમાન કરાયા છે.કાલોલ પોલીસ સ્ટેશનના એએસઆઈ અને પોલીસ કોન્સ્ટેબલ પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન તેઓને ખાનગી બાતમીદાર તરફથી ચોક્કસ માહિતી મળી હતી કે, ખંડોલી ગામના જલારામ મંદિર ફળિયામાં રહેતી સંગીતાબેન મહેશભાઇ પરમાર પોતાના મકાનમાં ઇંગ્લીશ દારૂ રાખીને તેનું વેચાણ કરે છે. જે બાતમીના આધારે પોલીસે સ્થાનિક પંચોને સાથે રાખીને સંગીતાબેનના ખુલ્લા મકાનમાં દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરની અંદરથી પ્લાસ્ટિકની એક મીણીયા થેલી મળી આવી હતી. જેની તલાશી લેતા તેમાંથી ‘GOA WHISKY’ માર્કાના ૧૮૦ મીલીના પ્લાસ્ટિકના સીલબંધ ક્વાટર નગ-૧૨ (કુલ કિંમત ₹૧,૬૨૦/-) મળી આવ્યા હતા. પોલીસે તમામ મુદ્દામાલ પંચનામું કરીને કાયદેસરની તપાસ અર્થે જપ્ત કર્યો છે.પોલીસની રેઇડ દરમિયાન આરોપી મહિલા સંગીતાબેન પરમાર ઘરે હાજર મળી આવી ન હતી. આ અંગે કાલોલ પોલીસ સ્ટેશનમાં આરોપી મહિલા વિરૂદ્ધ ધી ગુજરાત પ્રોહિબિશન એક્ટની કલમ ૬૫ (એ) (એ) મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.







