નવસારીના નવા મેયર અશોકભાઈ ધોરાજીયા તથા ડેપ્યુટી મેયર કેયુરીબેન દેસાઈના નિવાસસ્થાને સ્માર્ટ મીટર સ્થાપિત

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી: તા. 04.06.2026ના રોજ નવસારીના મેયરશ્રી અશોકભાઈ ધોરાજીયા તથા ડેપ્યુટી મેયર શ્રીમતી કેયુરીબેન દેસાઈના નિવાસસ્થાને સ્માર્ટ મીટર સ્થાપિત કરવામાં આવ્યું હતું.
નવસારી મહાનગરપાલિકાના તાજેતરમાં ચૂંટાયેલા મેયરશ્રી અને પ્રથમ નાગરિક તથા ડેપ્યુટી મેયરશ્રીએ પોતાના નિવાસસ્થાને સ્માર્ટ મીટર સ્થાપિત કરાવી લોકજાગૃતિ માટે એક સરાહનીય પહેલ કરી છે. તેમના આ પગલાથી નાગરિકોમાં સ્માર્ટ મીટર અંગે વધુ જાગૃતિ આવશે તેમજ સ્માર્ટ મીટર સંબંધિત ખોટી અફવાઓ અને ગેરમાન્યતાઓ દૂર કરવામાં મદદ મળશે.
DGVCL દ્વારા હાલમાં તબક્કાવાર સ્માર્ટ મીટર સ્થાપિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. સ્માર્ટ મીટર સંપૂર્ણપણે પરીક્ષણ કરાયેલ, આધુનિક અને વીજ વપરાશનું ચોકસાઈપૂર્વક માપન કરતું મીટર છે.
સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકોને DGVCL દ્વારા Time of use Discount (TOD) Tariff નો લાભ આપવામાં આવે છે. બપોરે 11:00 વાગ્યાથી સાંજે 5:00 વાગ્યા દરમિયાન વીજળીના વપરાશ પર પ્રતિ યુનિટ આશરે 60 પૈસાનુ ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે. DGVCL દ્વારા આપવામાં આવતા Time of use Discount નો લાભ સ્માર્ટ મીટર ધરાવતા ગ્રાહકો લઈ રહ્યા છે, અને તેમના વીજ ખર્ચમાં બચત થઈ રહી છે.
અગાઉ સ્માર્ટ મીટર આધુનિક ટેક્નોલોજીના ઉપયોગથી ગ્રાહકોને વીજ વપરાશ અંગેની રિયલ ટાઇમ માહિતી ઉપલબ્ધ કરાવતું હતું, જેથી વીજ વપરાશ અંગે આયોજન અને બચત કરી શકાય. જ્યારે હવે સીધો આર્થિક લાભ પણ મળી રહ્યો છે. આમ, ગ્રાહકો વીજ બચત સાથે સીધો આર્થિક લાભ પણ મેળવી રહ્યા છે.
વલસાડ સર્કલ હેઠળના નવસારી, વલસાડ અને ડાંગ જિલ્લાના અંદાજે 4 લાખથી વધુ સ્માર્ટ મીટર તબક્કાવાર સ્થાપિત કરવાની કામગીરી પૂર્ણ કરવામાં આવી રહી છે. જેમાં ધરમપુર, કપરાડા, ઉમરગામ જેવા અંતરિયાળ વિસ્તારો પણ સમાવિષ્ટ છે. આ અભિયાન દ્વારા ગ્રાહકોને આધુનિક, પારદર્શક અને ડિજિટલ વીજ સેવાઓનો લાભ મળશે તેમજ વીજ વ્યવસ્થાપનમાં વધુ કાર્યક્ષમતા આવશે.
આથી માનવંતાં વીજ ગ્રાહકોને સ્માર્ટ મીટર અપનાવી તેના વિવિધ લાભોનો લાભ લેવા વિનંતી કરવામાં આવે છે.



