GUJARATNAVSARINAVSARI CITY / TALUKO

નવસારીમાં વરસાદ ધીમો પડતા રાહતની શરૂઆત, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી યથાવત

વાત્સલયમ સમાચાર

   મદન વૈષ્ણવ

મહાનગરપાલિકાની નાગરિકોને અપીલ – બિનજરૂરી બહાર ન નીકળો, સતર્ક રહો; પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી સાથે સામૂહિક સફાઈ અભિયાન શરૂ

નવસારી શહેરમાં ભારે વરસાદ બાદ હવે વરસાદનું જોર ધીમું પડતાં કેટલાક વિસ્તારોમાં પાણી ઓસરવાની પ્રક્રિયા શરૂ થઈ છે. જોકે, નવસારી મહાનગરપાલિકાના ડ્રોન સર્વેના દ્રશ્યો પરથી સ્પષ્ટ થાય છે કે શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં હજુ પણ પૂરના પાણી યથાવત હોવાથી પરિસ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય બની નથી.

મહાનગરપાલિકા દ્વારા જાહેર કરાયેલી માહિતી અનુસાર વેરાવળ (એપીએમસી માર્કેટ), માછીમાર્કેટ, ભેંસતખાડા, કામધેનુ પાર્ક, મંગળિયાવાડ, કાશીવાડી, રમાબેન હોસ્પિટલ વિસ્તાર, માતા ફળિયા, શાંતાદેવી, બંદર રોડ, રેલવે સ્ટેશન બ્રિજ તથા રિંગ રોડ સર્કલ સહિતના વિસ્તારોમાં હજુ પણ પાણી ભરાયેલા છે. તેથી આ વિસ્તારોના રહીશોને વિશેષ સતર્ક રહેવા અપીલ કરવામાં આવી છે.

મહાનગરપાલિકાએ નાગરિકોને અનુરોધ કર્યો છે કે માત્ર પૂરના દ્રશ્યો જોવા માટે કે બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળે. કોઈ તાત્કાલિક ઈમરજન્સી સિવાય બહાર જવાનું ટાળવું તેમજ બાળકો અને વૃદ્ધોની ખાસ કાળજી રાખવી. અફવાઓથી દૂર રહી સત્તાવાર સૂચનાઓનું પાલન કરવા પણ જણાવાયું છે.

પૂરગ્રસ્ત પરિવારોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે નવસારી મહાનગરપાલિકાના ફાયર તથા ફ્લડ ટીમ વિભાગ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં જીવનજરૂરી ચીજવસ્તુઓ, ખાદ્ય સામગ્રી અને જરૂરી સહાય સતત પહોંચાડવાની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

બીજી તરફ, જ્યાં પાણી ઓસરવાનું શરૂ થયું છે તે વિસ્તારોમાં મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક સામૂહિક સફાઈ અને સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. હાલ તાશ્કંદ નગર, કાશીવાડી, શાંતાદેવી અને વિજલપોર સહિતના વિસ્તારોમાં સફાઈ, કાદવ દૂર કરવાની કામગીરી તેમજ આરોગ્યને ધ્યાનમાં રાખીને જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે.

મહાનગરપાલિકા તંત્રએ જણાવ્યું છે કે નાગરિકોના સહકારથી જ આ કુદરતી આપત્તિમાંથી ઝડપથી બહાર આવી શકાશે. શહેરમાં પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત મુજબ રાહત તથા બચાવ કામગીરી અવિરત ચાલુ રહેશે.

Back to top button
error: Content is protected !!