Rajkot: ૧૨ વર્ષ વિશ્વાસનાં, વિકાસનાં, જનકલ્યાણનાં ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ – રાજકોટ જિલ્લામાં વિશ્વ પર્યાવરણ દિવસે ૬૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર

તા.૫/૬/૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
૧૩ હજારથી વધુ રોપાનું વાવેતર અર્થે નાગરિકોને વિતરણ કરાયુ
Rajkot: વિશ્વ પર્યાવરણ દિવસે રાજકોટ જિલ્લામાં ‘એક પેડ માઁ કે નામ ૩.૦’ની શરૂઆત કરવામાં આવી હતી. જે અંતર્ગત વિવિધ તાલુકાઓમાં આશરે ૬૦૦૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું તેમજ આશરે ૧૩ હજાર જેટલા રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.

ઉપલેટા તાલુકામાં કાળેશ્વર મહાદેવ મંદિર તેમજ રામાપીર મંદિર-ગણોદ ખાતે ૮૦ જેટલા વૃક્ષોનું વાવેતર તથા ૨૦૦ રોપાનું વિતરણ કરાયું હતું તેમજ એનિમલ હોસ્ટલ – ઉપલેટા ખાતે ૧૦૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.

ગોંડલ તાલુકામાં શેમળા શાળા નજીક આશરે ૫૦૦૦ જેટલી મોટી સંખ્યામાં વૃક્ષોના વાવેતરના સંકલ્પ અને આયોજન સાથે વૃક્ષારોપણ કરાયું હતું. જ્યારે ૨૫૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું હતું.
જસદણ તાલુકામાં બરવાળા ગ્રામ પંચાયત ખાતે ૫૦ જેટલા વૃક્ષો વાવીને ૨૫૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું હતું.
જેતપુરમાં અમરનાથ મહાદેવ મંદિર અને વિરપુર ગુરૂકુલ ખાતે ૫૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જ્યારે પડધરી ખાતે સિવિલ કોર્ટમાં ૫૦ રોપા તેમજ તાલુકા પંચાયત ખાતે ૧૫૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. જામકંડોરણામાં કોર્ટ ગ્રાઉન્ડ ખાતે ૫૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું છે.
લોધિકામાં ખીરસરા સ્મશાન ખાતે ૨૦૦ રોપાનું વાવેતર અને લોધિકા હરીપર તરવડા ખાતે ૫૦ રોપાનું વાવેતર કરવામાં આવ્યું તેમજ ૩૦૦૦ જેટલા રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
વિંછીયામાં સોનકુબા સીમ શાળા ખાતે ૫૦ જેટલા રોપાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ધોરાજીના જમનાવડ ગૌશાળા ખાતે ૧૦૦ જેટલા વૃક્ષો વાવીને ૨૫૦૦ જેટલા રોપાનું વિતરણ કરાયું હતું. ધોરાજી સિટી ખાતે જે.સી.આઈ.– ફાઉન્ડેશન તેમજ વન વિભાગ દ્વારા ૨૫૦૦ રોપાનું વિતરણ કરવામાં આવ્યું છે.
રાજકોટમાં વોર્ડ-૧માં રૈયાસ્માર્ટ સિટી, સમેશ્વર નર્સરી, કણકોટ પ્રા.શાળા, જીવાપર ગ્રામ પંચાયત, મહિકા ગ્રામ પંચાયત, વાજડીગઢ પ્રાથમિક શાળા ખાતે ૩૫૦થી વધુ વૃક્ષોનું વાવેતર કરાયું હતું.


