AHAVADANGGUJARAT

આહવા તાલુકામાં કુદરતી આપત્તિ બાદ રાહત-બચાવ કામગીરી તેજ કરવા કોંગ્રેસની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં તાજેતરમાં ભારે વરસાદ અને અનુભવાયેલા ભૂકંપના આંચકાઓના કારણે સર્જાયેલી વિકટ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ડાંગ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આહવા મામલતદારને રૂબરૂ મળી વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી.અસરગ્રસ્ત નાગરિકોને તાત્કાલિક રાહત મળે અને બચાવ કામગીરી વધુ અસરકારક બને તે માટે વિવિધ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા.જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તથા જિલ્લા પંચાયત સદસ્ય સ્નેહલ ઠાકરેના નેતૃત્વમાં પ્રતિનિધિમંડળે જિલ્લા ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ અને મામલતદાર કચેરીની મુલાકાત લઈ જિલ્લાના વરસાદ અને ભૂકંપ બાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ દરમિયાન કોંગ્રેસ સમિતિએ પ્રજાની સેવામાં સતત તત્પર રહેવાની ખાતરી વ્યક્ત કરી હતી.રજૂઆતમાં જણાવાયું હતું કે ડિઝાસ્ટરના કારણે ખેડૂતોના પાક, ખેતીની જમીન, કાચા-પક્કા મકાનો તેમજ પશુધનને થયેલા નુકસાનનો તાત્કાલિક અને પારદર્શક સર્વે હાથ ધરી અસરગ્રસ્તોને યોગ્ય વળતર વહેલી તકે ચૂકવવામાં આવે. ઉપરાંત અસરગ્રસ્ત વિસ્તારોમાં ખોરવાયેલી વીજ પુરવઠા, પીવાના પાણીની સુવિધા અને ક્ષતિગ્રસ્ત માર્ગોને યુદ્ધના ધોરણે પુનઃ કાર્યરત કરવાની માંગ પણ કરવામાં આવી હતી.કોંગ્રેસ સમિતિએ વધુમાં માંગ કરી હતી કે બેઘર બનેલા અથવા આર્થિક નુકસાન ભોગવનાર પરિવારોને તાત્કાલિક ધોરણે રાશન, આવશ્યક ચીજવસ્તુઓ અને અન્ય રાહત સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવે. સાથે જ આપત્તિ બાદ રોગચાળો ન ફેલાય તે માટે અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્ય વિભાગ દ્વારા દવા છંટકાવ, આરોગ્ય તપાસ અને મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવે.આહવા તાલુકા પંચાયતના સદસ્ય રાકેશ પવારે જણાવ્યું હતું કે પ્રજાની મુશ્કેલીના આ સમયમાં વહીવટી તંત્ર રાહત અને બચાવ કામગીરી વધુ ઝડપી અને અસરકારક રીતે હાથ ધરે. તેમણે નાગરિકોને પણ તંત્રને જરૂરી સહકાર આપવા અપીલ કરી હતી.જિલ્લા કોંગ્રેસ સમિતિએ જણાવ્યું હતું કે ડાંગની જનતા પર આવી પડેલી આ કુદરતી આપત્તિના સમયમાં કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને કાર્યકરો અસરગ્રસ્ત લોકોની મદદ માટે સંપૂર્ણપણે તત્પર અને કટિબદ્ધ છે.આ પ્રસંગે આહવા તાલુકા પંચાયતના પ્રમુખ વીણાબેન ગાંગુરડે, તાલુકા પંચાયત સદસ્ય રાકેશ પવાર, તાલુકા પંચાયત સદસ્ય તથા ન્યાય સમિતિના અધ્યક્ષ જીગ્નેશ સોલંકી, ગડદ તાલુકા પંચાયતના સદસ્ય જગુભાઈ બાગુલ સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા..

Back to top button
error: Content is protected !!