GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:ગૌ સન્માન આહવાન અભિયાન: ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 સહીઓ સાથે મોરબી કલેક્ટર આવેદપત્ર

 

MORBI ગૌ સન્માન આહવાન અભિયાન: ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા 1,84,000 સહીઓ સાથે મોરબી કલેક્ટર આવેદપત્ર

 

કાગળ બચાવવા 6,158 પૃષ્ઠોનું રેકોર્ડ પેનડ્રાઈવમાં સોંપાયું: મહંતો, સંતો અને ગૌપ્રેમીઓએ ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’ તથા ‘રાજ્યમાતા’ જાહેર કરવા માંગણી કરી

મોરબી: દેશભરમાં ચાલી રહેલા ‘ગૌ સન્માન આહવાન અભિયાન’ અંતર્ગત મોરબી જિલ્લા કલેક્ટર મારફતે દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના રાજ્યપાલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સંબોધીને એક વિસ્તૃત આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. અગાઉ 07 મે 2026 ના રોજ આપવામાં આવેલા પ્રાર્થના પત્ર સંદર્ભે 27 જુલાઈ 2026 ના રોજ આ સ્મરણ પત્ર આપીને ગૌવંશના સંરક્ષણ અને સન્માન માટે ત્વરિત વિધિસર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે.

 

સાધુ-સંતો અને વિવિધ સંગઠનોની વિશાળ ઉપસ્થિતિ

 

આવેદનપત્ર સોંપવાના આ કાર્યક્રમમાં મોરબી જિલ્લાના વિવિધ ધાર્મિક આશ્રમોના સંતો, સામાજિક અગ્રણીઓ અને વિવિધ સંગઠનો મોટી સંખ્યામાં જોડાયા હતા. જેમાં બગથળાના મહંત દામજી ભગત, રામધન આશ્રમના ભાવેશ્વરી બેન, સ્વ નિર્ભર શાળા સંચાલક મંડળ, બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદ તેમજ મોરબી જિલ્લાની વિવિધ ગૌશાળાઓના સંચાલકો તથા ગૌપ્રેમીઓએ ગૌમાતાના સંરક્ષણ અને વૈધાનિક અધિકારો માટે પ્રબળ રજૂઆત કરી હતી.

 

પર્યાવરણ જાળવણી અર્થે પેનડ્રાઈવમાં 6,158 પૃષ્ઠોનો ડિજિટલ રેકોર્ડ સોંપાયો

આ આવેદનપત્રની મુખ્ય વિશેષતા એ રહી કે, પર્યાવરણની જાળવણી અને કાગળનો બગાડ અટકાવવાના હેતુથી નાગરિકો પાસેથી મેળવેલ 1,84,000 સહીઓના કુલ 6,158 પૃષ્ઠોનું રેકોર્ડ ડિજિટલ સ્વરૂપે (સ્કેન કરીને પેનડ્રાઈવ/સીડીમાં) કલેક્ટર કચેરી ખાતે જમા કરાવવામાં આવ્યું છે. જરૂર પડે આ તમામ સહીઓની મૂળ હાર્ડકોપી પણ રજૂ કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.

 

આવેદનપત્રમાં કરાયેલી મુખ્ય 8 માંગણીઓ: 1. રાષ્ટ્રમાતા અને રાજ્યમાતાનો દરજ્જો: વેદલક્ષણા દેશી ગૌવંશને બંધારણીય સુધારો કરીને કેન્દ્ર સ્તરે ‘રાષ્ટ્રમાતા’ અને ગુજરાત રાજ્ય સ્તરે ‘રાજ્યમાતા’ (રાજ્ય આરાધ્યા) નો સત્તાવાર દરજ્જો આપવામાં આવે.

2. સ્વતંત્ર ગૌ-સેવા મંત્રાલય: પશુપાલન વિભાગથી અલગ કરીને એક પૂર્ણ સ્વતંત્ર ‘ગૌ-સેવા અને સંવર્ધન મંત્રાલય’ની સ્થાપના કરવામાં આવે.

3. કડક દંડાત્મક કાયદો: ગૌતસ્કરી અને ગૌવધને બિનજામીનપાત્ર ગુનો ગણી આજીવન કેદની સજા તથા ગુનામાં સંકળાયેલા તત્વોની મિલકત અને વાહનો જપ્ત (રાજસાત) કરવાનો કાયદો બનાવવામાં આવે.

4. હાઇવે સુરક્ષા અને એમ્બ્યુલન્સ: રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો પર દર 50 થી 100 કિમીના અંતરે ‘ગૌ-વાહિની એમ્બ્યુલન્સ’ અને દર 150 થી 200 કિમીએ સુસજ્જ ટ્રોમા સેન્ટરની વ્યવસ્થા ઉભી કરવામાં આવે.

5. ગૌચર અને ચારા સુરક્ષા: ચારાના ઔદ્યોગિક વપરાશ પર રોક લગાવતો કાયદો બનાવવો તથા તમામ ગૌચર અને ઓરણ જમીનોને અતિક્રમણ મુક્ત કરી ‘ગૌચર વિકાસ બોર્ડ’ હેઠળ સુરક્ષિત કરવી.

6. નંદીશાળા અને ગૌ-અભયારણ્ય: દરેક ગ્રામ પંચાયત સ્તરે ‘નંદીશાળા’ અને જિલ્લા સ્તરે ઓછામાં ઓછું 1 મોડેલ ‘ગૌ-અભયારણ્ય’ અથવા વૃહદ ગૌશાળા નિર્માણ કરવી.

7. શિક્ષણ અને પોષણ: શાળાઓના અભ્યાસક્રમમાં ‘ગૌ-વિજ્ઞાન’ વિષય દાખલ કરવો અને મિડ-ડે મીલ તથા મંદિરોના પ્રસાદમાં કેવળ દેશી ગૌ-ઘી અને દૂધનો ઉપયોગ ફરજિયાત કરવો.

8. ગૌ-આધારિત અર્થવ્યવસ્થા: સરકારી મકાનોમાં કેમિકલના સ્થાને ગોબર-પેઇન્ટ અને ગોનાઇલનો ઉપયોગ ફરજિયાત કરવો તથા પંચગવ્ય સંશોધનને પ્રોત્સાહન આપવું.

આ અભિયાન સંપૂર્ણપણે અહિંસક, સાત્વિક અને જનજાગૃતિ પર આધારિત હોવાનું સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું.

Back to top button
error: Content is protected !!