વેજલપુર MGVCL ઓફિસમાંથી સાપ પકડાયો, સમયસર રેસ્ક્યુથી કર્મચારીઓએ લીધો રાહતનો શ્વાસ.

તારીખ ૨૭/૦૭/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વેજલપુર સ્થિત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL) ની કચેરીમાં આજે અચાનક એક સાપ આવી પહોંચતાં કચેરીના કર્મચારીઓ અને કામઅર્થે આવેલા નાગરિકોમાં ક્ષણિક અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.ઘટનાની વિગત મુજબ, કચેરીના કામકાજ દરમિયાન અચાનક એક સાપ જોવા મળ્યો હતો. સાપ દેખાતા જ કર્મચારીઓએ સમયસૂચકતા વાપરીને તાત્કાલિક સ્થાનિક સ્નેક રેસ્ક્યુઅરનો સંપર્ક કર્યો હતો.સમાચાર મળતા જ જીવદયા પ્રેમી તાત્કાલિક MGVCL કચેરી ખાતે પહોંચી ગયા હતા. તેમણે ખૂબ જ ધૈર્ય, કુશળતા અને સુરક્ષિત પદ્ધતિથી સાપનું રેસ્ક્યુ કર્યું હતું. સાપને કચેરી પરિસરમાંથી હેમખેમ પકડીને બેગમાં સુરક્ષિત રીતે કેદ કરવામાં આવ્યો હતો. રેસ્ક્યુ બાદ સાપને કોઈ પણ પ્રકારની ઇજા પહોંચાડ્યા વિના તેને (સુરક્ષિત જંગલ વિસ્તાર) માં મુક્ત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જીવદયા પ્રેમીની આ સરાહનીય અને સમયસરની કામગીરી બદલ MGVCL કચેરીના તમામ કર્મચારીઓએ તેમનો આભાર માન્યો હતો અને રાહતનો શ્વાસ લીધો હતો.







