
અરવલ્લી
અહેવાલ – હિતેન્દ્ર પટેલ
માલપુર ગ્રામસભામાં સરપંચ-ઉપસરપંચ સહિત રેન્જ ફોરેસ્ટ ઓફિસર પણ ગેરહાજર, ગ્રામજનોમાં ભારે રોષ
વિશ્વ પર્યાવરણ દિવસના અવસરે માલપુર ગ્રામ પંચાયત ખાતે યોજાયેલી ગ્રામસભા વિવાદનું કેન્દ્ર બની છે. ગ્રામસભામાં સરપંચ, ઉપસરપંચ તેમજ જવાબદાર અધિકારીઓની ગેરહાજરીને જોવા મળી હતી જેને લઇ ગ્રામજનોએ ભારે નારાજગી હતી અને બેઠકની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા

મળતી માહિતી મુજબ 5 જૂનના રોજ ગ્રામસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સરકારના પ્રતિનિધિ તરીકે માલપુર રેન્જના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની નિમણૂક કરવામાં આવી હોવા છતાં તેઓ બેઠકમાં હાજર રહ્યા નહોતા. આ ઉપરાંત ગ્રામ પંચાયતના સરપંચ અને ઉપસરપંચ પણ ગ્રામસભાથી દૂર રહેતા ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો હતો.ગ્રામ પંચાયતના તમામ ચૂંટાયેલા સભ્યોમાંથી માત્ર ચાર સભ્યો જ ગ્રામસભામાં હાજર રહેતા બેઠકની ગંભીરતા અને જવાબદારી અંગે પ્રશ્નો ઉભા થયા હતા. ગ્રામજનોએ આ સ્થિતિ સામે વિરોધ નોંધાવી ગ્રામસભા રદ કરી નવી તારીખ જાહેર કરીને ફરીથી ગ્રામસભા યોજવાની માંગણી કરી હતી.
ગ્રામજનોએ જણાવ્યું હતું કે ગ્રામસભા ગામના વિકાસ, યોજનાઓ અને જનહિતના પ્રશ્નોની ચર્ચા માટે મહત્વનું મંચ છે. આવા મહત્વના કાર્યક્રમમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અધિકારીઓની ગેરહાજરી લોકશાહી પ્રક્રિયાની અવગણના સમાન છે.આ મામલે તાલુકા વિકાસ અધિકારી સમક્ષ રજૂઆત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. હવે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવે છે અને ગ્રામસભા ફરી યોજવામાં આવશે કે નહીં તેના પર ગ્રામજનોની સાથે સમગ્ર તાલુકાની નજર મંડાઈ છે.



