“જેલ કોઈ બદનામ ગલી નથી” – એમ. એમ. દવે નિવૃત જેલર

તા.07/06/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

દુનિયામાં ઘણા સ્થળો એવા હોય કે ભદ્ર સમાજના સંસ્કારી લોકો ત્યાં જવાનું પસંદ નથી કરતા એટલું જ નહીં પણ એવા સ્થળનું નામ લઈએ તોય મોઢું મચકોડી એવું બોલે કે આ સ્થળ ભગવાન કોઈને ન બતાવે.!! એવા સ્થળો પૈકી એક હોસ્પિટલ અને બીજું જેલ પરંતુ એ ન ભૂલવું જોઈએ કે આ બન્ને સ્થળો સમાજનો એક હિસ્સો છે. બન્ને આવશ્યક સરકારી સેવાકીય સંસ્થાઓ છે, બન્નેના નિભાવ માટે સરકાર કરોડોનો ખર્ચ કરે છે. આરોગ્ય અને સુરક્ષા તો સરકારની મુખ્ય ફરજો છે. તો એને બદનામ ગલી કેવી રીતે કહી શકાય ? જ્યાં કોઈને જવું ગમે કે ન ગમે પણ સમય સંજોગોને આધિન ફરજીયાત જવું જ પડે છે. હોસ્પીટલને લોકોના આરોગ્ય સાથે સબંધ છે જ્યારે જેલને સમાજની સુરક્ષા સાથે સીધો સબંધ છે. બન્ને સ્થળોનું હોવું આવશ્યક છે. જો ખરેખર જરૂર ન હોય તો બન્ને સંસ્થાઓ બંધ કરી દેવી જોઈએ કરોડો રૂપિયા બચી જાય પણ આજે વાત કરવી છે ફ્ક્ત જેલની દીવાલોમાં રહેલ દિવ્યતા વિશે.! કે ભગવાન શ્રી કૃષ્ણ એ ધાર્યું હોત તો જન્મ લેવા માટે કોઈ રાજ મહેલ પસંદ કરી શક્યા હોત પણ એમનો જન્મ મથુરા કારાગૃહ (જેલ)માં થયો હતો. પૂજ્ય મહાત્મા ગાંધી જેવી બુદ્ધિ પ્રતિભા જેલમાં રહ્યા હતા અને જેલને તપોભૂમિ એટલા માટે કહી છે કે જ્યાં બંદીવાનો તપસ્યા કરી વાલિયમાંથી વાલ્મિકી બને છે. પૂજ્ય કસ્તુરબા જેલને સુધારગૃહ એટલે કહી ગયા છે લોકોને પોતાની ભૂલ સુધારી ભવિષ્ય સુધારવાનો મોકો મળે છે.” એટલે તો કહેવાયું છે. કે “હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે. બંદીવાન તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે.” તો જેલને બદનામ ગલી કેમ કહી શકાય ? રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને કસ્તુરબા ગાંધી, લોકમાન્ય ટિળક, સરદાર પટેલ, રવિશંકર મહારાજ ઝવેરચંદ મેઘાણી જેવા વિશ્વ વંદનીય મહાનુભાવો પણ આઝાદીની ચળવળમાં જેલવાસ ભોગવી જેલમાં અનેક સારા પુસ્તકો લખી ચૂક્યા છે. શહીદ ભગતસિંહ અને ચંદ્રશખર આઝાદ સુખદેવ રાજ્ય ગુરુ જેવા વીર પુરૂષોએ જેલમાં ફાંસીના માંચડે ચડીને ઇન્કલાબ જિંદાબાદના નારા સાથે પ્રાણની આહુતિ આપી છે એમની અંતિમ ભૂમિ જેલ છે. એવા ઘણા વીર પુરુષોના સ્ટેચ્યુ જેલમાં આજે પણ રાખવામાં આવેલા હોય એમના નામથી આજે પણ જેલના ઘણા યાર્ડ /બેરેક ઓળખાય છે અરે મહાત્મા ગાંધીની ખોલીમાં તો આજીવન જ્યોત પ્રગટેલી રહે છે. હોય એવી જેલને બદનામ ગલી કેવી રીતે કહી શકાય.! જેલને પવિત્ર ભૂમિ એટલે ગણી શકાય કે નાની મોટી ભૂલના કારણે જેલમાં આવેલ મોટા ભાગના લોકો જેલમાં આવ્યા બાદ બહાર કરતા અંદર વધુ આધ્યાત્મિક બનીને બહાર આવે છે. જેલમાં એકાંતમાં સાધના અને ધ્યાન જેવી પ્રવૃતિઓ કરનારા બંદીવાનો પણ હોય છે. તો જેલ બદનામ ગલી બિલકુલ નથી. બદનામ ગલી તો એને કહેવાય જ્યાં ગેરપ્રવૃત્તિ કે વિવાદિત કામ થતા હોય, સંસ્કારી લોકો આબરૂ કે સામાજિક મર્યાદાને લીધે ત્યાં જવાનું ટાળતા હોય છે. દા.ત. રેડલાઇટ એરિયા હોય જ્યાં દેહવ્યાપાર ચાલતો હોય જુગારખાના /કેસીનો અને દારૂના હાટડા ચાલતા હોય ખાસ કરીને ગુજરાત જેવા સમૃધ્ધ અને મોડેલ રાજ્યના અમુક વિસ્તારમાં ડ્રગ્સ જેવા નશીલા પદાર્થનું વેચાણ થતું હોય કે ડાન્સબાર કે કલબમાં અશ્લીલતા મુખ્ય આકર્ષણ હોય કાયદાનું ઉલ્લંઘન થતું હોય એવી જગ્યાએ જવાનું ટાળવું એ જ સમજદારી છે સંસ્કાર છે કારણ કે આવી જગ્યાઓ સાચા અર્થમાં બદનામ ગલી છે. પણ હોસ્પિટલ અને જેલ તો સરકારી મશીનરીના એક ભાગ છે.
પણ એક કડવી વાસ્તવિકતા એ છે કે સાચા અર્થમાં જે બદનામ ગલી હોય છે ત્યાં કહેવાતા સારા સમાજના લોકો પણ રાતના અંધારામાં ચોરી છુપીથી ત્યાં જવાનું પસંદ કરતા હોય છે. ખૈર. મૂળ વાત ઉપર આવું તો ભૂતકાળમાં સાબરમતી જેલના ઘણા કેદીઓએ જરૂરિયાતમંદ દર્દીઓને સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કરેલું છે. ફાંસીની સજાના કેદીએ મરતા પહેલા ચક્ષુદાન કિડની દાન કરેલ હોવાંના ઉદાહરણ છે ૧૯૮૮/૮૯ ના વરસ દરમ્યાન રાજકોટ સેન્ટ્રલ જેલના કેદી શશીકાંત કેશવદાસ માળી એ ફાંસી ચડતા પહેલા દેહદાન પણ કર્યુ છે. જ્યારે દેશમાં ભૂકંપ જેવી કુદરતી આફત આવી ત્યારે સાબરમતી જેલના કેદીઓએ સ્વેરછાએ બે ટંકનું ભોજન ત્યાગ કરી એના ફૂડપેકેટ તૈયાર કરી જેલના સરકારી વાહનમાં ફૂડપેકેટ કચ્છ ભુજ અસરગ્રસ્તોને પહોંચાડ્યા હતા. જ્યારે ભારત પાકિસ્તાનની ક્રિકેટ મેચ હોય ત્યારે અથવા તો ભારત ચીન અને ભારત પાકિસ્તાન વચ્ચે બોર્ડર ઉપર તનાવપૂર્ણ સ્થિતિ હોય ત્યારે બહારની જેમ જ બંદીવાનોના ચહેરા ઉપર ચિંતા સાથે રાષ્ટ્રભાવના તરવરતી હોય છે. પરિસ્થિતિ જાણવાની ઉત્સુકતા જોવા મળે છે. પહેલગાવ હુમલાની નકારાત્મક અસર પણ જેલોમાં જોવા મળે છે અને ઓપરેશન સિંદુરના વિજયની ખુશી પણ પારાવાર જોવા મળે છે. એટલે પુનરોચ્ચાર કરું છું કે જેલ એક સુધારગૃહ છે જ્યાં અનેક કેદીઓના જીવનમાં પરિવર્તન આવે છે. જેલમાં નાનકડું મંદિર હોય છે. બધા સંપ્રદાયના ધર્મગુરુઓ પ્રવચન માટે આવે છે. બધા ધાર્મિક તહેવાર અને રાષ્ટ્રીય તહેવાર પણ જેલમાં ઉજવાય છે. મહિને બે વખત જેલમાં સરકારી ખર્ચે મીઠાઈ અને ફરસાણ બને છે. બંદીવાન ઈચ્છે તો જેલમાં હળવી કસરત કરી શકે છે વોલીબોલ જેવી ગેમ રમી શકાય છે. વાંચન કરવા માટે સુંદર સારી લાયબ્રેરી હોય છે. ખાસ તો ઘણા બંદીવાનો પોતાની ભૂલની સજા ઇમાનદારીથી ભોગવી જેલ મુક્ત થઈ સારા નાગરિક બની ફરી સાંપ્રત સમયમાં ભળી પોતાના પરિવાર સાથે સુંદર લાઇફ જીવતા હોય છે. ઘણા બંદીવાનો પોતાની ભૂલનું જેલમાં પ્રાયશ્ચિત કરી જેલ મુક્ત થયા બાદ બંદીવાન પુરુષ અને બંદીવાન મહિલા લવ મેરેજ કરે છે. ક્યારેક સ્ટાફના પુરુષ/ મહિલા કર્મચારી મહિલા /પુરુષ કે બંદીવાન સાથે પણ પ્રેમ લગ્ન કરેલ હોવાની ઘટનાઓ જો બનતી હોય તો એટલે તો કહું છું કે દેશની જેલોમાં ભલે અઠંગ ગુન્હેગારો છે આતંકીઓ ભલે રાખેલા હોય તેમ છતાં જેલ કોઈ બદનામ ગલી નથી પણ પવિત્ર તપોભૂમિ પણ છે…


