GUJARAT

MORBI:મોરબીના મકનસરમાં ઉછીના આપેલા રૂ. પાછા માંગતા યુવક પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો

MORBI:મોરબીના મકનસરમાં ઉછીના આપેલા રૂ. પાછા માંગતા યુવક પર લોખંડના પાઇપ વડે જીવલેણ હુમલો

 

મોરબી તાલુકાના મકનસર ગામના પ્રેમજીનગરમાં આઠ મહિના પહેલાં ઉછીના આપેલા રૂપિયા પાછા માંગવા ગયેલા એક શ્રમિક યુવક પર બે શખ્સોએ લોખંડના પાઇપ વડે બેરહેમીપૂર્વક હુમલો કર્યો હોવાની સનસનાટીભરી ઘટના સામે આવી છે. આ હુમલા અંગે ભોગ બનનાર યુવકે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, મોરબીના પ્રેમજીનગર (મકનસર) ગામે રહેતા અને મજૂરી કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતા સુરેશભાઇ દેવજીભાઇ ચાવડા (ઉં.વ. ૩૪) એ આરોપી જયેશભાઈ વેલજીભાઈ શેખવાને આજથી આઠ મહિના પહેલા હાથ ઉછીના રૂ. ૨,૦૦૦ આપ્યા હતા.

સુરેશભાઇ જ્યારે પોતાના હકના નાણાં પરત માંગવા માટે આરોપી જયેશભાઈના ગેરેજ પાસે ગયા હતા, ત્યારે પૈસા પાછા આપવાને બદલે આરોપી જયેશભાઈને આ વાતનું ખોટું લાગી ગયું હતું અને તેણે સુરેશભાઈ સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

સુરેશભાઈએ ગાળો બોલવાની ના પાડતા જ મામલો વધુ બિચક્યો હતો. આરોપી જયેશભાઈ શેખવા અને તેની સાથે હાજર અન્ય એક શખ્સ લાલો પોપટભાઈ રાણવા (બંને રહે. પ્રેમજીનગર, મકનસર) એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. બંને શખ્સોએ લોખંડના પાઇપ વડે સુરેશભાઇ પર તૂટી પડીને શરીરે જેમ ફાવે તેમ બેરહેમીપૂર્વક માર માર્યો હતો. હુમલો કર્યા બાદ આરોપીઓએ સુરેશભાઈને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ હુમલાના પગલે ઇજાગ્રસ્ત સુરેશભાઇ ચાવડાએ મોરબી તાલુકા પોલીસ મથકમાં બંને આરોપીઓ વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!