કામરેજ તાલુકાના વેલંજા ગામ માં તળાવ ખોદવાના નામે મોટું કૌભાંડ (ભ્રષ્ટાચાર)?

કામરેજ: તાલુકાના વેલંજા ગામમાં તળાવ ખોદકામની મંજૂરીના નામે મોટો ભ્રષ્ટાચાર અને અધિકારીઓની મિલીભગત સામે આવતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સરકારી નિયમોને નેવે મૂકીને અરજદાર અને ભૂસ્તરશાસ્ત્રી સહિતના અધિકારીઓએ ભેગા મળીને જે ખેલ ખેલ્યો છે, તેનાથી સ્થાનિક ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે અને જગતનો તાત આજે રોવા મજબૂર બન્યો છે
ઓન-પેપર રમત: 6 મીટર ઊંડા તળાવને બતાવ્યું માત્ર 2 મીટર!
મળતી માહિતી મુજબ, વેલંજા ગામમાં જે તળાવના ખોદકામ માટે પરમિશન માંગવામાં આવી હતી, તે તળાવ સ્થળ પર ઓલરેડી અંદાજિત 6 થી 7 મીટર જેટલું ઊંડું ખોદાયેલું જ હતું. નિયમ મુજબ આટલા ઊંડા ખાડા બાદ વધુ ખોદકામની મંજૂરી ન મળી શકે.
પરંતુ, જ્યારે જવાબદાર અધિકારીઓ સ્થળ વિઝિટ (Inspection) માટે આવ્યા, ત્યારે અરજદાર સાથેની કથિત મિલીભગતના કારણે આંખ આડા કાન કરવામાં આવ્યા. અધિકારીઓએ પોતાની આંખો બંધ રાખીને અથવા તો વહીવટના જોરે, આ 6-7 મીટર ઊંડા તળાવને માત્ર બે થી અઢી મીટર જેટલું જ ઊંડું હોવાનો ખોટો રિપોર્ટ તૈયાર કર્યો હોવાનો આક્ષેપ છે.
નિયમોના લીરેલીરા: ફરી 6 મીટર ખોદકામની આપી દીધી મંજૂરી!
અધિકારીઓના આ ખોટા અને ભેદભર્યા રિપોર્ટના આધારે અત્યારે આ તળાવમાં ફરીથી 6 મીટર જેટલું ઊંડું ખોદકામ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. જો આ મંજૂરી પ્રમાણે ખોદકામ થશે, તો તળાવની ઊંડાઈ અતિશય વધી જશે, જેના કારણે આજુબાજુની ખેતીની જમીનના ભૂગર્ભ જળ સ્તર પર માઠી અસર પડશે અને ચોમાસામાં ખેતરો ધોવાઈ જવાનો મોટો ભય ઊભો થયો છે.
ખેડૂતોમાં ભારે આક્રોશ, ‘જગતનો તાત’ રોતા હાલત નજરે પડ્યો
ભૂસ્તરશાસ્ત્રી અને સ્થાનિક તંત્રની આ ખુલ્લેઆમ મિલીભગતની વાત વાયુવેગે વેલંજા ગામના ખેડૂતોમાં ફેલાતા ભારે ચર્ચા અને આક્રોશ ફાટી નીકળ્યો છે. મીડિયા સામે પોતાની વ્યથા ઠાલવતા કેટલાય ખેડૂતો રોતા નજરે પડ્યા હતા.
સ્થાનિક ખેડૂતોનો આક્રોશ:
“અધિકારીઓ એસી ગાડીઓમાંથી ઉતરીને અરજદારોના કમરામાં બેસીને નિર્ણયો લે છે. સ્થળ પર તળાવ ઓલરેડી ઊંડું છે, છતાં ભ્રષ્ટાચાર કરીને વધારે ખોદવાની પરમિશન આપી દીધી. જો આ જ રીતે ખોદકામ ચાલુ રહેશે તો અમારા ખેતરો નકામા થઈ જશે. અમે ક્યાં જઈએ?”
ઉચ્ચ સ્તરે તપાસની માંગ આ મામલે વેલંજાના ખેડૂતો દ્વારા હવે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની તૈયારીઓ ચાલી રહી છે. ભૂષણ શાસ્ત્રી (ભૂસ્તરશાસ્ત્રી) અને ખોટો રિપોર્ટ બનાવનાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક પગલાં લેવામાં આવે અને આ ગેરકાયદેસર કહી શકાય તેવી પરમિશન રદ કરવામાં આવે તેવી માંગ બુલંદ બની છે. હવે જોવાનું એ રહેશે કે ગાંધીનગર બેઠેલું તંત્ર આ નાના ખેડૂતોના આંસુ લૂછે છે કે પછી ભ્રષ્ટ અધિકારીઓને છાવરે છે.
રિપોર્ટર કલ્પેશ ધામેલીયા કામરેજ સુરત



