
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

નવસારી, તા. ૭ જૂન: બીલીમોરા સિટી સર્વે વિસ્તારના ટીકા નં. ૩૫ હેઠળ આવતા સિટી સર્વે નંબર ૨૧૯૭ (ક્ષેત્રફળ ૬૦૭૨ ચો.મી.) અને ૨૨૯૫ (ક્ષેત્રફળ ૯૯૫૩ ચો.મી.) વાળી જમીન સરકારશ્રીની માલિકીની છે. આ સરકારી જમીન પર કેટલાક ખાનગી ઈસમો દ્વારા ગેરકાયદેસર દબાણ કરી કાચા-પાકા મકાનો અને ઓરડીઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું, તેમજ ઈંટના ભઠ્ઠા જેવી વ્યવસાયિક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવતી હતી.
આ ગેરકાયદેસર દબાણ દૂર કરવા માટે જિલ્લા કલેક્ટરશ્રી મનીષ ગુરવાની અને ચીખલી પ્રાંત અધિકારીશ્રી મિતેષ પટેલના માર્ગદર્શન હેઠળ સિટી સર્વે સુપ્રિટેન્ડેન્ટ, મામલતદારશ્રી ગણદેવી અને પોલીસ વિભાગ દ્વારા સંયુક્ત ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જમીન મહેસૂલ કાયદાની કલમ-૬૧ અને ૨૦૨ મુજબ નોટિસ પાઠવીને તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ, તા. ૦૬/૦૬/૨૦૨૬, શનિવારના રોજ આ દબાણો દૂર કરવામાં આવ્યા છે. જેથી, અંદાજિત રૂ. ૩૨ કરોડની સરકારી જમીન દબાણમુક્ત કરાઈ હતી.
હાલ આ જમીનનો કબ્જો સરકારશ્રી પક્ષે પરત મેળવેલ છે, જેથી ભવિષ્યમાં તેનો ઉપયોગ સાર્વજનિક લોકસુવિધાના નિર્માણ હેતુ કરવામાં આવશે.


