MORBI:મોરબીમાં શી-ટીમની સરાહનીય કામગીરી: દીકરાઓએ તરછોડેલા ૬૦ વર્ષના વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો







MORBI:મોરબીમાં શી-ટીમની સરાહનીય કામગીરી: દીકરાઓએ તરછોડેલા ૬૦ વર્ષના વૃદ્ધાને વૃદ્ધાશ્રમમાં આશરો અપાવ્યો


મોરબી મહિલા પોલીસ સ્ટેશનના પી.આઈ.ના માર્ગદર્શન હેઠળ શી-ટીમ (She-Team) દ્વારા કાયદો અને વ્યવસ્થાની સાથે સાથે માનવતાવાદી અભિગમનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. દીકરાઓએ સાથે રાખવાની ના પાડતા લાચાર બનેલા એક ૬૦ વર્ષના વૃદ્ધાને શી-ટીમે સહી-સલામત રીતે વૃદ્ધાશ્રમ ભેગા કરી આશ્રય અપાવ્યો છે.

મળતી માહિતી મુજબ, મોરબી મહિલા પોલીસ સ્ટેશનની શી-ટીમના કર્મચારીઓ જ્યારે પેટ્રોલિંગમાં હતા, તે દરમિયાન એક અજાણ્યા નાગરિકનો ફોન આવ્યો હતો કે જેતપર ગામ નજીક એક અસહાય વૃદ્ધ મહિલા મળી આવ્યા છે. ફોન મળતા જ શી-ટીમના કર્મચારીઓ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મહિલાની પૂછપરછ હાથ ધરી હતી.
દીકરાઓએ રાખવાની ના પાડતા વૃદ્ધાશ્રમ જવાની ઈચ્છા વ્યક્ત કરી
પોલીસની પૂછપરછમાં વૃદ્ધાએ પોતાનું નામ ગીતાબેન હકાભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૬૦) હોવાનું જણાવ્યું હતું. તેઓ જેતપર ગામે ભાડાના મકાનમાં રહીને ભંગાર વીણી પોતાનું ગુજરાન ચલાવતા હતા. તેમના પતિ રિક્ષા ચલાવે છે અને દીકરા સાથે રહે છે. ગીતાબેનને સંતાનમાં બે દીકરા છે:ભૂપતભાઈ હકાભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૩૫) -પ્રકાશભાઈ હકાભાઈ ચૌહાણ (ઉંમર વર્ષ ૩૨)બંને દીકરાઓ છૂટક મજૂરી કામ કરે છે. ગીતાબેને ભારે હૈયે જણાવ્યું હતું કે, ઉંમર થઈ ગઈ હોવાને કારણે હવે તેમનાથી ભંગાર વીણવાનું કામ થતું નથી. આ ઉંમરે સહારે બનવાના બદલે બંને દીકરાઓએ તેમને સાથે રાખવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દીકરાઓ દ્વારા તરછોડવામાં આવતા આખરે કંટાળીને ગીતાબેને વૃદ્ધાશ્રમમાં જવાની ઈચ્છા વ્યક્ત કરી હતી.શી-ટીમે સહી-સલામત આશ્રમ પહોંચાડ્યા વૃદ્ધાની આ આપવીતી સાંભળીને શી-ટીમના કર્મચારીઓ પારુલબેન બી. વાઘેલા, રમીલાબેન એન. ચાવડા અને મહાવીરભાઈ એ. અગ્રાવત નાઓએ તાત્કાલિક સંવેદનશીલતા દાખવી હતી. તેઓ ગીતાબેનને માનભેર પોતાની સાથે લઈ ગયા હતા અને મોરબીના શોભેશ્વર રોડ પર આવેલા વૃદ્ધાશ્રમમાં સહી-સલામત મૂકી આવ્યા હતા.
વૃદ્ધાવસ્થામાં દીકરાઓએ સાથ છોડ્યો ત્યારે મોરબી પોલીસની શી-ટીમ વહારે આવતા સ્થાનિક લોકોએ પોલીસની આ કામગીરીને બિરદાવી છે.


