MEHSANAVIJAPUR

વિજાપુર તાલુકામાં રક્તપિત (કુષ્ઠરોગ) શોધ અભિયાનનો પ્રારંભ, 13,835 લોકોનો સર્વે થશે

વિજાપુર તાલુકામાં રક્તપિત (કુષ્ઠરોગ) શોધ અભિયાનનો પ્રારંભ, 13,835 લોકોનો સર્વે થશે
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
જિલ્લા ક્ષય કેન્દ્ર મહેસાણા ખાતેની લેપ્રસી પ્રોગ્રામ સબ કમિટી તથા તાલુકા હેલ્થ કચેરી વિજાપુરના સયુંકત માર્ગદર્શન હેઠળ તાલુકામાં લેપ્રસી કેસ ડિટેક્શન કેમ્પેઇન (LCDC) નો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન તા. 8 જૂનથી 18 જૂન 2026 દરમિયાન હાથ ધરવા માં આવનાર છે.
આ અભિયાન અંતર્ગત ધનપુરા, ભીમપુરા, હાથીપુરા, મહાદેવપુરા (મ), મણિપુરા, કુકરવાડા તેમજ શહેરના રામબાગ વિસ્તારમાં આરોગ્ય વિભાગની 15 ટીમો દ્વારા ઘર-ઘર જઈ સર્વેક્ષણ કરવામાં આવશે. આ દરમિયાન કુલ 3,004 ઘરોના 13,835 વ્યક્તિઓની રક્તપિત (કુષ્ઠરોગ) અંગે તપાસ કરવામાં આવશે.
આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ શરીર પર આછા, ઝાંખા અથવા રતાશ પડતા ચાઠાં જોવા મળે અને તેમાં સંવેદનાનો અભાવ હોય તો તે રક્તપિત રોગના લક્ષણો હોઈ શકે છે. સર્વે દરમિયાન આવા લક્ષણો ધરાવતા લોકોની તપાસ કરવામાં આવશે.
રક્તપિત રોગની સારવાર સરકાર દ્વારા સંપૂર્ણપણે વિનામૂલ્યે ઉપલબ્ધ છે. સમયસર સારવાર ન લેવાય તો દર્દીમાં શારીરિક વિકૃતિ (ડિફોર્મિટી) સર્જાઈ શકે છે. જેમાં આંખની ભમર ખરી પડવી, કાનની બૂટ જાડી થવી તેમજ હાથ-પગની આંગળીઓમાં નુકસાન થવા જેવી ગંભીર અસરો જોવા મળી શકે છે. જોકે સમયસર અને નિયમિત સારવારથી આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે.
અભિયાન દરમિયાન તાલુકા હેલ્થ સુપરવાઇઝર મુકેશ ચૌહાણ દ્વારા ધનપુરા અને ભીમપુરા ગામોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ અને સુપરવિઝન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય વિભાગે લોકોને સર્વે ટીમને જરૂરી સહકાર આપવા તેમજ રક્તપિત સંબંધિત કોઈપણ લક્ષણ જણાય તો તાત્કાલિક આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!